રિપોર્ટ@પંચમહાલ: ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત નીપજ્યા, જાણો વધુ વિગતે

2 બાળકો સારવાર દરમિયાન જીવ ગુમાવી બેઠા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પંચમહાલ જિલ્લામાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે.પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસે ચિંતા ઊભી કરી છે. ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ બે માસૂમ બાળકોના મોત થતાં સમગ્ર જિલ્લામાં ફફડાટનો માહોલ સર્જાયો છે. મૃતક બાળકોની ઉંમર માત્ર 3 અને 4 વર્ષની હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે કુલ ચાર શંકાસ્પદ કેસોની ઓળખ કરી હતી, જેમાંથી 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેમની સારવાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે અન્ય બે બાળકો સારવાર દરમિયાન જીવ ગુમાવી બેઠા છે.

મૃતક બાળકોની વિગત

વિરાજ રંગીતસિંહ ચૌહાણ - ઉંમર 3 વર્ષ, વીંઝોલ ગામ, ગોધરા

પ્રિન્સ જીતેન્દ્રભાઈ બારીઆ - ઉંમર 4 વર્ષ, સરદારપુરા ગામ, ગોધરા

2 બાળકોના મોત બાદ જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. વાયરસનો વધુ ફેલાવો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું કે હાલમાં સમગ્ર જિલ્લામાં 682 આરોગ્ય ટીમો કાર્યરત છે, જ્યારે વીંઝોલ અને સરદારપુરા ગામમાં ખાસ દસ જેટલી ટીમોને સર્વે, સેમ્પલિંગ અને સારવાર માટે તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ ઘર-ઘર જઈને લોકોની તપાસ કરી રહ્યા છે તેમજ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાઓ એકત્ર કરીને તપાસ માટે મોકલી રહ્યા છે.

સરકારની માર્ગદર્શિકા મુજબ કેસ નોંધાયેલા વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરીને સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીઓનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ ગ્રામજનોને બાળકોની ખાસ કાળજી રાખવા અને કોઈપણ લક્ષણ જણાય તો તરત જ હોસ્પિટલમાં પહોંચવાની અપીલ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ સંક્રમણના લક્ષણો

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસ ખાસ કરીને 0થી 15 વર્ષના બાળકો માટે વધુ જોખમી માનવામાં આવે છે. રાત્રિના સમયે અચાનક તીવ્ર તાવ આવવો, ઝાડા-ઊલટી, શરીરમાં ખેંચ આવવી અને બાળકની સ્થિતિ ઝડપથી ગંભીર બનવી તેના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર બાળકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવું અત્યંત જરૂરી હોવાનું તંત્રે જણાવ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે શરૂઆતની વરસાદી ઋતુ દરમિયાન સક્રિય થતી સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. ખાસ કરીને પ્લાસ્ટર વગરના કાચા મકાનોમાં આ માખીઓનું પ્રમાણ વધુ હોવાથી આવા વિસ્તારોમાં જોખમ વધે છે. વાયરસનો ઇન્ક્યુબેશન પિરિયડ ખૂબ ઓછો હોવાથી બાળકને ચેપ લાગ્યા બાદ ખૂબ જ ઝડપથી લક્ષણો દેખાવા લાગે છે અને મગજમાં સોજો જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.