રિપોર્ટ@પાટણ: ₹1.87 કરોડના વિદેશી દારૂ પર રોડરોલર ફેરવી અને નષ્ટ કરાયો, જાણો વધુ વિગતે

આ મુદ્દામાલના નિકાલ માટે કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
 
રિપોર્ટ@પાટણ: ₹1.87 કરોડના વિદેશી દારૂ પર રોડરોલર ફેરવી અને નષ્ટ કરાયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ગેરકાયદે વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. સિદ્ધપુર પોલીસે વિવિધ ગુનાઓ હેઠળ ઝડપેલા આશરે 1.87 કરોડની કિંમતના દારૂના જથ્થા પર સુજાણપુર હેલિપેડ ખાતે રોડરોલર ફેરવી એને નષ્ટ કરવામાં આવ્યો હતો.

સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત મોટેપાયે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દામાલના નિકાલ માટે કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, કુલ 31,987 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયરનાં ટિન, જેની અંદાજિત કિંમત ₹1,86,89,834 થાય છે, એનો નાશ કરવામાં આવ્યો હતો.

દારૂના આ મસમોટા જથ્થાના નાશની કામગીરી સંપૂર્ણ સુરક્ષા અને પારદર્શિતા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બનેલી સમિતિ હાજર રહી હતી, જેમાં સમિતિના અધ્યક્ષ અને સિદ્ધપુરના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ જય બારોટ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ, નાયબ પોલીસ અધીક્ષક કે.કે. પંડ્યા, અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. આચાર્ય સહિતનો પોલીસસ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતાં નાયબ પોલીસ અધીક્ષક કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલના નિકાલ માટે કોર્ટના હુકમ મુજબ સુજાણપુર હેલિપેડ ખાતે કાર્યવાહી કરવામાં આવી છે. આશરે 32 હજાર જેટલી બોટલ અને 1.87 કરોડથી વધુની કિંમતના મુદ્દામાલ પર રોડરોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં પણ દારૂના ગેરકાયદે વેપાર વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલુ રહેશે એવો સંકેત પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.