રિપોર્ટ@પાટણ: યુવાનનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી હાઈવે પર આવેલી મોટીપીપળી ગામની સીમમાં એક યુવાનનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ વાવ-થરાદ જિલ્લાના સુઇગામ તાલુકાના મોરવાડા ગામના વશરામ ચેલાભાઈ ઠાકોર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોટીપીપળી ગામ પાસે વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા ખેતરમાં સ્થાનિક લોકોને એક યુવાનનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં રાધનપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પંચનામાની કાર્યવાહી બાદ મૃતકની ઓળખ વશરામભાઈ ચેલાભાઈ ઠાકોર તરીકે થઈ હતી.

આ ઘટનામાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક વશરામે મૃત્યુ પહેલાં પોતાના મોબાઇલ ફોનમાં એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વીડિયોમાં શું છે અને તે કયા સંજોગોમાં બનાવવામાં આવ્યો હતો તે અંગે પોલીસે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરી નથી.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા વીડિયાની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી ઘટનાનું સાચું કારણ જાણી શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર બાબતે રાધનપુર PI આર. બી. વાધીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવડા ગામના 20 વર્ષીય વશરામભાઈ ચેલાભાઈ ઠાકોર નામના યુવકે નાનીપીપળી ગામના દલપતરામ દેવશંકરભાઈ રાવલના ખેતરમાં લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

મૃતકે પોતાના ભાઈને આશરે 1:10 વાગ્યા આસપાસ ફોન કર્યો હતો કે રાધનપુર-વારહી રોડ પર આવેલા વૈષ્ણોદેવી બિલ્ડિંગના સામેના ભાગમાં મને શોધજો.

મૃતક યુવકે છેલ્લે એક રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે. આ યુવક અને મોરવડા ગામની યુવતી 20 દિવસ પહેલા સાથે જતાં રહ્યા હતા અને ગઇકાલે સમાજની રૂએ બંને જુદા થઈ ગયા હતા. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બંને છૂટા પડી જવાથી યુવકે વિરહમાં આ રીલ બનાવી આપઘાત કર્યો છે. વિડીયોનું ટેકનિકલ એનલિસીસી અને પૂર્વની બધી તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું. પોલીસને જાણ કરવામાં આવતા તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલું છે.