રિપોર્ટ@વડોદરા: પોલીસની હાજરીમાં જ લોકોએ એક યુવકને ઢીબી નાખ્યો, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મારા-મારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી તાળ ફળિયા વિરભાગતસિંહ ચોક ખાતે ગરબામાં છૂટા હાથે 2 મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. નવાપુરા પોલીસે 6 વ્યક્તિ સામે ફરિયાદ નોધી 3ની અટકાયત કરી છે. છૂટા હાથની મારામારીના વિડિયો સામે આવ્યા છે. સાથે પોલીસની હાજરીમાં જ લોકોએ એક યુવકને ઢીબી નાખ્યો હોવાનો વિડિયો સામે આવ્યો છે.
નવાપુરા પોલીસે સામ સામે બે ફરિયાદ નોધી છે. બે પરિવાર ભગતસિંહ ચોક ખાતે આવેલ તાળ ફળિયા ગરબામાં ગરબા રમતા હતા, તે દરમ્યાન બે મહિલાઓ વચ્ચે એક બીજાનો હાથ અડી જતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. બાદમાં માથાના વાળ પકડી ખેંચી અને માર મારવા લાગ્યા હતા. સાથે અન્ય શખ્સોએ મહિલાની નણદોઈ અને તેના પતિ સાથે બોલાચાલી કરી ગડદા પાટુંનો માર માર્યો હતો.
આ ઘટનાની જાણ થતા તાત્કાલિક નવાપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ જાહેરમાં પોલીસની હાજરીમાં જ એક યુવકને લોકોએ ઢીબી નાખ્યો હતો. આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મારામારી બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસ જ્યારે યુવકને લઈ જઈ રહી હતી, ત્યારે પોલીસની હાજરીમાં જ લોકો તૂટી પડ્યા હતા.આ મામલે નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.