રિપોર્ટ@રાજકોટ: LED લાઈટ બદલ 250 વાહનને 15 દિવસમાં રૂ.5 લાખનો દંડ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વાહનોના અકસ્માતોમાં આંખને આંજી દેતી જોખમી LED લાઇટ જવાબદાર હોવાનું સામે આવતા ગત 21મી જાન્યુઆરીના રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરી તમામ જિલ્લાના RTOને અનઅધિકૃત રીતે વાહનોમાં લગાવવામાં આવતી વ્હાઈટ LED સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે રાજકોટ આરટીઓ એક્શન મોડમાં આવ્યું હોય તેમ 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે.
રાજકોટ આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, વાહનોમાંથી લોકો ગેરકાયદેસર LED લાઇટ દૂર કરે તે માટે આ ચેકિંગ સતત ચાલુ રહેશે. જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગેરકાયદેસર LED લાઈટનું વેચાણ કરતા વેપારીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતુ, જેમાં વેપારીઓ બેરોકટોક આ પ્રકારની લાઈટનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતુ.

