રિપોર્ટ@રાજકોટ: 2 મહિનાથી ગાલપચોળિયાના 300 કેસ સામે આવતાં ચિંતા વધી

ગાલપચોળિયાને કારણે મેનેનજાઈટીસ થઇ શકે
 
 અટલ સમાચાર ડોટ કોમ, desk

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં આરોગ્યની જાળવણી કરવી ખુબજ જરૂરી છે. નહી તો શરીરમાં કેટલાક રોગો પ્રવેશ કરી જાય છે.  રાજકોટમાં 2મહિનાથી ગાલપચોળિયાના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. દરરોજનાં 300 જેટલા કેસ સામે આવતા ચિંતા વધી છે. સામાન્ય રીતે જ્યારે સીઝન બદલાય ત્યારે વાઇરલ ઇન્‍ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્‍યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્‍યામાં ગાલપચોળિયાના કેસો આવ્‍યા હોવાનું કદાચ છેલ્લા પાંચ વર્ષોમાં પ્રથમ વખત બન્‍યાનું રાજકોટના અગ્રણી ડોક્ટરે જણાવ્યું છે. જોકે ગાલપચોળિયાના કેસો અટકાવવા વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી વાલીઓને આ માટે જાગૃત રહેવા અપીલ પણ તબીબો કરી રહ્યા છે.


રાજકોટનાં જાણીતા પીડિયાટ્રીશિયન ડો. મેહુલ મિત્રાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં આ અંગે જણાવ્યું હતું કે, આમ તો છેલ્લા પાંચેક મહિનાથી ગાલપચોળિયાના કેસો વધી રહ્યા છે, પરંતુ બે મહિનાથી તો રાજકોટનાં દરેક બાળકોના ડોક્ટર પાસે રોજના ત્રણ કેસ સામે આવી રહ્યા છે. રાજકોટમાં 150 કરતા વધારે પીડિયાટ્રીશિયન છે. આ પૈકી 100 ડૉક્ટર્સ પાસે પણ 3 કેસ ગણીએ તો રોજના 300 કેસ એટલે કે મહિનાનાં ઓછામાં ઓછા 7 હજાર કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાલપચોળિયાના કેસો અટકાવવાનો એકમાત્ર ઉપાય વેક્સિન છે. જેમાં જુદા જુદા બે પ્રકારની વેક્સિન હોય છે. આ પૈકી સરકારી હોસ્પિટલમાં Mvex નામની વેક્સિન આપવામાં આવતી હોય છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં MMR નામની વેક્સિન આપવામાં આવે છે. જેનાથી ઓરી, નૂરબેબી અને ગાલપચોળિયાના રોગથી રક્ષણ મેળવી શકાય છે. આ રસી પ્રથમ વખત બાળક 1.5 થી 2 વર્ષનું થાય ત્યારે અને તેનો બુસ્ટર ડોઝ બાળક 4.5 થી 8 વર્ષનું થાય ત્યારે આપવાનો હોય છે. રસીની કિંમત માત્ર રૂ.700-800 જેટલી હોય છે.


મોટાભાગે અમારો અનુભવ છે કે, વાલીઓ પ્રથમ ડોઝ બાળકોને આપતા હોય છે, પરંતુ 4.5 વર્ષ પછી આપવાનો થતો બુસ્ટર ડોઝ આપવાનું ચુકી જવાતું હોય છે. આ ઉંમરના બાળકો પ્લે હાઉસ કે શાળાએ જતા હોવાથી તેમજ અન્ય બાળકો સાથે રમતા હોવાથી તેને જલ્દી ચેપ લાગવાની શક્યતા રહે છે. અમારા સર્વે મુજબ છેલ્લા થોડા વર્ષોથી આવા કારણે જ કેસોમાં સતત મોટો વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે તો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.ગાલપચોળિયાના કેસોમાં આ વધારો થતો અટકાવવા વેક્સિનેશન માટેની જાગૃતિ ખૂબ જરૂરી છે.


ગાલપચોળિયા ભલે આપણને સામાન્‍ય બિમારી લાગતી હોય, પરંતુ કોઇક વખત તે માનવી માટે જોખમ ઉંભુ કરી દે છે. જોકે સામાન્‍ય રીતે 5-7 દિવસમાં ગાલપચોળિયા અને અછબડા મટી જતા હોય છે, પરંતુ કોઇક વખત ગાલપચોળિયાને કારણે મેનેનજાઈટીસ (મગજ ઉપર સોજો આવી જવો), સ્‍વાદુપીંડ ઉપર સોજો આવી જવો, પુરૂષોને ટેસ્‍ટીસ તથા સ્ત્રીઓને ઓવરી જેવા અંગો ઉપર અસર થવી વગેરે કોમ્‍પ્‍લીકેશન્‍સ પણ થઇ શકે છે. ત્યારે ગાલપચોળિયા સામે વેક્સિનેશન સહિતની તકેદારી રાખવાથી તેનાથી બચી શકાય છે.

ગાલપચોળિયાના લક્ષણને કેવી રીતે ઓળખશો?

  • તાવ આવવું
  • દુખાવો કે કળતર થવી
  • ગાલ ઉપર તથા તેની નીચેની તરફ સોજો આવવો
  • જમવામાં તકલીફ પડવી

MMR વેક્સિન અને તેનો બુસ્ટર ડોઝ લેવો જોઈએ
ઉપરોક્ત પ્રકારના કોઇપણ લક્ષણ જોવા મળે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. ડોક્ટરની સલાહ વગર એકપણ દવા લેવી જોઇએ નહીં. બાળક 4 વર્ષનું થાય ત્‍યાં સુધીમાં MMR (મમ્‍સ, મીઝલ્‍સ અને રૂબેલા) વેક્સિનના ત્રણ ડોઝ લેવા જરૂરી છે. જેમાં બાળકને ઓરી, નુરબીબી તથા ગાલપચોળિયા સામે રક્ષણ મળે છે. પ્રાઇવેટ હોસ્‍પિટલોમાં MMR વેક્સિન આપવામાં આવે છે. જ્યારે વિવિધ સરકારી દવાખાનામાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ MR (મીઝલ્‍સ અને રૂબેલા) વેક્સિન આપવામાં આવે છે. જેનાથી માત્ર ઓરી અને નુરબીબી સામે રક્ષણ મળે છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં વેક્સિન લેનારે પણ ખાનગી હોસ્પિટલમાં MMR વેક્સિન અને તેનો બુસ્ટર ડોઝ લેવો જોઈએ.

સ્‍કૂલ મેનેજમેન્‍ટે પણ તાકીદના પગલા લેવા જોઈએ
ઉલ્લેખનીય છે કે, જે બાળકનેગાલપચોળિયા થયા હોય ત્‍યારે તેને અન્‍ય બાળકોથી દૂર રાખવા હિતાવહ છે. જેથી અન્‍યને પણ ઇન્‍ફેક્શન (વાઇરસ) અસર ન કરે. તેમજ બની શકે તો થોડા દિવસો માટે સ્‍કૂલે મોકલવા જોઇએ નહીં. આવા કેસ આવે તો સ્‍કૂલ મેનેજમેન્‍ટે પણ તાકીદના પગલા લેવા જોઈએ. જેથી ગાલપચોળિયાના સતત વધતા કેસોને અટકાવવામાં મદદ મળશે. હાલમાં આ માટેની વેક્સિન તેમજ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે.