રિપોર્ટ@રાજકોટ: 50 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસપેન્ડની કાર્યવાહી કરાઈ

વ્યક્તિ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન વાહન લઈને નીકળે તો તેમની સામે મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
 
કાર્યવાહી@વડોદરા: લોકડાઉનમાં સત્તા વગર પાસ ઇસ્યુ કર્યા, મહિલા ASI સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વર્ષ 2025ની શરૂઆતથી સિગ્નલ તોડવું, હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ત્રીપલ સવારી સહિતના ટ્રાફિક નિયમના ભંગ બદલ 50 વાહન ચાલકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આ 50 વાહન ચાલકો વાહન ચલાવી નહીં શકે. જો તેમછતાં પણ તે વ્યક્તિ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન વાહન લઈને નીકળે તો તેમની સામે મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં દંડની સાથે કોર્ટ કાર્યવાહીની પણ જોગવાઈ છે.

જો લાયસન્સ સસ્પેન્ડેડ વાહનચાલકો 3 મહિના દરમિયાન વાહન લઈને નીકળતા ઝડપાયા તો તેમનું લાયસન્સ લાંબા સમયગાળા માટે સસ્પેન્ડ થઈ શકે છે અથવા તો લાઇસન્સ રદ પણ થઈ શકે છે. બીજી તરફ ખોટા એડ્રેસને કારણે 35 જેટલી નોટિસ પરત ફરી તેમાંથી 5 વાહન ચાલકોએ RTO કચેરી ખાતે હાજર થઈને ઈ-મેમો ભરી આવ્યાની પહોંચ આપી હતી. જોકે, નોટિસ રિટર્ન આવી એવા બાકીના 30 વાહનચાલકોના સ્થળ તપાસમાં ઘર નહિ મળી આવે તો તેઓના નામો જાહેર કરવામા આવશે.

રાજકોટ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 4થી વધુ મેમો આપવામાં આવ્યા હોય અને તેની ભરપાઈ કરી ન હોય તેવા વાહનોનું લિસ્ટ RTO કચેરીને અગાઉ મોકલવામાં આવેલું હતું. જેમાં વાહન નંબરના આધારે તે વાહન ચાલક કયા પ્રકારનું લાયસન્સ ધરાવે છે તે સર્ચ કરવામા આવ્યું હતું અને અને ત્યારબાદ તેઓને નોટીસ આપવામાં આવી હતી. જેમાં સમયમર્યાદામાં જે-તે વાહનચાલક કચેરી ખાતે હાજર ન રહે કે કોઈપણ પ્રકારનો ખુલાસો ન કરે તો તે વાહનચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, RTO કચેરી દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતે પહેલા નોટીસ આપવામાં આવે છે, ત્યારબાદ 10 દિવસમાં જે-તે વ્યક્તિએ અત્રેની કચેરી ખાતે આવી ખુલાસો કરવાનો રહેતો હોય છે. સમયમર્યાદામાં ખુલાસો કરવામાં ન આવે તો એક તરફી નિર્ણય લઇ તે વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. આ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં જે તે વાહન ચાલકનું લાયસન્સ 3 માસ, 6 માસ કે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.