રીપોર્ટ@રાજકોટ: 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

વરસાદી ઝાપટા વરસતા તમામ ત્રણેય પૂતળામાં ભેજ લાગી જતા આખા પૂતળાનું દહન થઇ શક્યું ન હતું.
 
રીપોર્ટ@રાજકોટ: 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતા વિજ્યાદશમીના દિવસે આખા દેશમાં દશેરાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર રાવણ દહનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા સતત 29માં વર્ષે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા 60 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જેની સાથે 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુમ્ભકર્ણના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું પરંતુ, આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસતા તમામ ત્રણેય પૂતળામાં ભેજ લાગી જતા આખા પૂતળાનું દહન થઇ શક્યું ન હતું. આ સાથે રાવણ દહન પૂર્વે લેસર શો અને આતશબાજી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને રંગીલા રાજકોટના આકાશમાં રંગબેરંગી ફટાકડાઓની આતશબાજીથી નયનરમ્ય રંગોળી જોવા મળી હતી.

દર વર્ષે દશેરાના પાવન પર્વ નિમિતે વર્ષોની પરંપરા મુજબ વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ અને દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની ખૂબ ભાવભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સતત 29માં વર્ષે સાંજે 8 કલાકે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ કરવામાં આવી હતી. આ વર્ષે રાવણના પૂતળા દહન સાથે શસ્ત્ર પૂજન, આતશબાજી અને નવીનતમ લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના બીજા નંબરના સૌથી ઉંચા પૂતળા બનાવવાનો રાજકોટનો રેકોર્ડ અકબંધ રહ્યો છે. આ વખતે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 60 ફૂટના રાક્ષસ રૂપી રાવણ તથા 30-30 ફૂટ ઉચા મેઘનાથ અને કુમ્ભકર્ણના પૂતળા બનાવવામાં આવ્યા હતા. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.)થી તેના સ્પેશ્યાલિસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્યા હતા જેમની 25થી વધુ લોકોની ટીમ દ્વારા જેહમત બાદ આ પુતળા તૈયાર કરવામાં આવ્યા હતા.

દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન પહેલા અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે દિવાળી જેવો માહોલ રચાયો હતો. આ વર્ષે ખાસ તામિલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે 500 મલ્ટી શોટ, 240 રંગીન ફેન્સી શોટ, 240 રંગીન મલ્ટી મ્યુઝીક શોટ, 100 મ્યુઝીકલ કલર શોટ, 100 મલ્ટી મ્યુઝીકલ કલર શોટ, 100 કલરફુલ શોટ, 50 મ્યુઝીકલ ફેન્સી કલર શોટ, 50 ફેન્સી સાયરીંગ મ્યુઝીક શોટ તેમજ 2500 ફુટ ઉપર ફુટી શકે એવા હેવી શોટ જેમાં મીરચી હેવી શોટ, થોર આતશબાજી શોટ, મલ્ટી મીક્સ આતશબાજી હેવી, રેડ સાવર, લીલ સાવર, લાલ કલર ઝુમખા હેવી શોટ, બેડ સ્ટ્રીટ બોય હેવી શોટ, નીલા એન્જલ શોટ, પંટર સ્ટ્રોમ, પાયો રંગીન, લીંબાગીડી, સ્કાય ફલોર, કેપેસીનો, ગોલ્ડ સ્ટાર, બાસ્કેટ બોલ, જય હો, કીલર, પોપઅપ કેન્ડી, સીલ્વર કેન્ડી, ઓરેન્જ કેન્ડી, ગ્રીન કેન્ડી, સીલ્વર કેન્ડી, બઝી મ્યુઝીક, ગોલ્ડ રસ, કલરપીન જોર ડયુલક્સ, લકકી ડ્રોપસ, ગ્રાન્ડ માસ્ટર, ક્રિસ્ટોન હેવી શોટ વગેરેની આતશબાજી જોઈને નાના બાળકોથી લઇ મોટેરા સહીત તમામ આનંદીત થઇ ગયા હતા.