રિપોર્ટ@રાજકોટ: બળાત્કારનો ભોગ બનનાર કુંવારી યુવતીએ જન્મ આપેલ બાળકનું મોત,ફરિયાદ નોંધાઇ
અટલ સમાચાર ડોટ કોમ ,ડેસ્ક
દુષ્કર્મનો ભોગ બનનાર કુંવારી યુવતીએ જન્મ આપેલ બાળકનું મોત થયું હતું. આ તરફ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઇ હતી. 20 વર્ષીય યુવતીએ ગઈકાલે સવારે બાળકને જન્મ આપેલો, જેણે સાંજે જ દમ તોડી દીધો હતો. મળતી વિગત મુજબ, નાણાવટી ચોકમાં આવાસ ક્વાર્ટરમાં રહેતી 20 વર્ષની યુવતીને પેટમાં દુખાવો ઉપડતા પાડોશી મહિલાઓ તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને કુંવારી યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો.
પોલીસે પૂછપરછ કરતાં યુવતી પર પાડોશમાં રહેતા પરપ્રાંતીય પરિણીત શખ્સે અનેક વખત દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું. યુવતીના પિતા હયાત નથી અને માતા માનસિક અસ્વસ્થ છે. યુવતી પારકા કામ કરે છે. રવિવારે સાંજે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. સિવિલમાં સોનોગ્રાફી કરતાં યુવતીના પેટમાં નવ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. તેને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે સાંજે યુવતીએ બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો. યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. યુવતીની ફરિયાદ નોંધાતા જાણવા મળેલ કે, તેના પાડોશમાં જ રહેતા પરપ્રાંતીય લાલુ નકુમભાઈ શેખે યુવતીને ધમકી આપી હતી કે,
જો સબંધ નહીં બાંધે તો તારા માતા અને ભાઈને જાનથી મારી નાખીશ. જેથી એક વર્ષથી આરોપી યુવતીના ઘરે આવી તેને સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. ગર્ભ રહી જતા એક મહિનાથી તે યુવતીને મળતો નહોતો. દરમિયાન યુવતીને એ પણ જાણવા મળેલ કે, લાલુ પરણિત છે અને એક સંતાનનો પિતા છે. યુનિવર્સિટી પોલીસના પીઆઈ બી.પી. રજયાના માર્ગદર્શન હેઠળ આઇપીસી 376(2)(એન) અને 506(2) મુજબ ફરિયાદ નોંધી પીએસઆઇ ડી.આર. રત્નુએ વધુ તપાસ હાથ ધરી છે.