રિપોર્ટ@રાજકોટ: ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં શરૂ, અત્યાર સુધી 500 દબાણો હટાવાયા

આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
 
રિપોર્ટ@રાજકોટ: ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં  શરૂ, અત્યાર સુધી 500 દબાણો હટાવાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે. જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.

સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.