રિપોર્ટ@રાજકોટ: કરણીસેના દ્વારા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કર્યું

 રૂપાલાનું પૂતળા દહન

 
 રિપોર્ટ@રાજકોટ: કરણીસેના દ્વારા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું  દહન કર્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે.  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે. આ વિવાદને ખાળવા ગઈકાલે ગોંડલમાં જયરાજસિંહની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદથી ખાસ ગોંડલ આવેલા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમાર સહિત પાંચ મહિલાને પોલીસે અટકાવી હતી. આજે રાજકોટ આવેલાં ગીતાબા પરમારે જણાવ્યું હતું કે, આ બેઠક માત્ર ભાજપના રાજકીય આગેવાનો વચ્ચે મળેલી હતી.

અમે પહોંચ્યા તો અમને પોલીસે અટકાવી દીધા હતા અને મહિલાઓને એન્ટ્રી નથી એવું કહી અંદર જવા દેવામાં આવ્યા નહોતા. બહેનો વિશે ટિપ્પણી કરી છે અને બહેનોને જ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા નથી. આ કોઈ સમાધાન છે જ નહીં, જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવી દઉં છું અને અન્ય ત્યાં ઉપસ્થિત ભાઈઓ કોઈ આવી ગેરસમજ ભરી વાતો કરશે તો તેમની પાછળથી પણ સિંહ અમે હટાવી દઈશું.

જે બાદ રાજકોટમાં કરણીસેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યાં રાજકોટ કરણીસેનાના સોશિયલ મીડિયા અધ્યક્ષ હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટના ક્ષત્રિય આગેવાનો આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપશે. પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આગામી સમયમાં પોસ્ટરો લગાવવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ બોલાવવામાં આવશે. આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમન કરે તો પણ અમારી તૈયારી છે.


ગીતાબા પરમારે વધુમાં જણાવ્યું હતું કે અમે અમદાવાદથી પાંચ બહેન આવ્યાં છીએ. ગઈકાલે મળેલી બેઠકમાં માત્ર ભાજપના રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા. સમાજ ઉપસ્થિત નહોતો. સમાજના લોકો સાથે મળી સમાધાન માટે વાત કરવાની હોય તો અમે આ બેઠકમાં જવા માટે આવ્યા હતા, પરંતુ અમને શેમળા ગામ ખાતેથી અટકાવી અંદર જવા દેવામાં આવ્યા નહોતા. પોલીસે અમને અંદર જતાં અટકાવ્યા હતા. ગઈકાલની બેઠકનું સમાધાન અમને મંજૂર નથી, અમારી એક જ માગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેમને રાજકારણમાંથી જ દૂર કરી દેવા જોઈએ. આવા નેતાઓની સમાજને કોઈ જરૂર નથી, જે સમાજ વિશે એલફેલ ભાષણ આપે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયરાજસિંહ ખુલ્લેઆમ ક્ષત્રિય સમાજને ચીમકી આપી કે સમય તમારો, સ્થળ તમારું... આવી વાતો કરે છે તો અમે તો ત્યાં ગણેશગઢની બહાર જ હતા. અમારી પાંચ બહેનનો એમને કેમ ડર લાગ્યો? અમને કેમ અંદર આવવા ન દીધા એ હું જયરાજસિંહને પૂછવા માગું છું. સમાજની વાત આવે ત્યાં રાજકારણ ન થવું જોઈએ. સમાજની વાત આવે ત્યારે સમાજ એક થઈ સાથે ઊભું રહેવું જોઈએ. જયરાજસિંહે પડકાર કર્યો છે તો હું પણ કહેવા માગું છું કે જયરાજસિંહના નામ પાછળ લાગતું ‘સિંહ’ હું હટાવી દઉં છું અને ત્યાં ઉપસ્થિત ભાઈઓને પણ અપીલ કરું છું કે, તમે સમાજની સાથે ઊભા નહીં રહો અને રાજકારણ માટે સમાજને એક બાજુ મૂકશો તો તમારા નામ પાછળથી પણ ‘સિંહ’ હટાવતાં અમે અચકાઈશું નહીં.


ગઈકાલે ગોંડલના શેમળા ખાતે જયરાજસિંહના ફાર્મહાઉસ ગણેશગઢ ખાતે તેમની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફરી એક વખત જાહેરમાં સમાજને બે હાથ જોડી માફી માગી હતી. આ પછી તમામ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે માફ કરવું એ આપણો ક્ષત્રિય સમાજનો ધર્મ છે માટે આજે આપણે આ વિવાદને પૂર્ણ કરવાનો છે. જોકે ગઈકાલે બેઠકમાં જવા માટે નીકળેલી ક્ષત્રિય સમાજની બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા સમાજના આગેવાનોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણી માગ ન સ્વીકારે તો તમારે ભાજપમાથી રાજીનામું આપી દેવું જોઈએ. આમ હજુ પણ વિરોધ અને વિવાદ ક્ષત્રિય સમાજમાં યથાવત્ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ તકે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ અને આગેવાનોને પણ અપીલ કરતાં ગીતાબાએ જણાવ્યું હતું કે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો તમે ભાજપની સાથે રહેજો અન્યથા તમે બધા પણ રાજીનામાં આપો તેવી મારી મારા સમાજના ભાઈઓ પાસે માગણી અને અપીલ છે.