રિપોર્ટ@રાજકોટ: મહિલાઓને ધમકી આપનાર 7 શખસ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના રામવન મેઈન રોડ પર આવેલી રામપાર્ક સોસાયટીમાં કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. ઝાડ કાપવા બાબતે ચાલી રહેલી તંગદિલી વચ્ચે 7 શખસના ટોળાએ સોસાયટીમાં આવીને મહિલાઓ સાથે બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝાડ કાપ્યા વિના આંગણવાડી બનાવવામાં આવે તેવી કોર્પોરેશનમાં અરજી કરતા સોસાયટીના રહીશોને "અમારા વિરુદ્ધ કરેલી અરજી પાછી ખેંચી લેજો, નહીંતર મારી નાખીશું" તેવી ધમકી આપી હતી. સ્થાનિક રહીશે 7 શખસ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા ત્રણ મહિનાથી આંગણવાડી બનાવવાની વાતચીત ચાલતી હતી. સોસાયટીના રહિશ કુલદિપભાઇ કરમટા સહિતના લોકોએ વૃક્ષો કાપ્યા વગર આંગણવાડી બનાવવા રજૂઆત કરી હતી, પરંતુ કાળુભાઇ હેરમા અને રણજીતભાઇ ચાવડા નામના શખ્સોએ "ઝાડ કાપીને જ આંગણવાડી બનશે" તેમ કહીને તકરાર શરૂ કરી હતી.
10 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાના સુમારે સાગર જળુ, બલી જંગવડ, ભુપત ચાવડા અને સુનીલ ખુંગલા સહિતના શખ્સોના ટોળાએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ સ્થાનિક રહીશ લાખાભાઈ ભરવાડના ઘરે જઈ મહિલાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અરજી પાછી ખેંચવા ધમકી આપી હતી. ત્યારબાદ આ ટોળું કુલદિપભાઇના ઘરે પહોંચી દાદાગીરી કરી ધમકાવ્યા હતા.
ઘટના દરમિયાન તુષાર મહેતા નામના શખ્સે પોતાની ક્રેટા ગાડી સોસાયટીના મુખ્ય રસ્તા પર આડી મૂકીને અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આખરે સોસાયટીના રહીશોએ એકઠા થઈને આજીડેમ પોલીસ સ્ટેશન પહોંચી તમામ સાતેય આરોપીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

