રિપોર્ટ@રાજકોટ: ડોક્ટરે અગમ્ય કારણસર ડેમમાં ઝંપલાવ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

108 તેમજ ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
 રિપોર્ટ@રાજકોટ: ડોક્ટરે અગમ્ય કારણસર ડેમમાં ઝંપલાવ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. તબીબે અગમ્યકારણોસર આત્મહત્યા કરી લીધી છે. મૂળતમિલનાડુના મલુરના વતની 26 વર્ષીય રેડિયૉલૉજિસ્ટ અરૂણકુમાર સેલ્વરાજ દ્વારા ગત તા. 23 માર્ચ 2025ને રવિવારના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ન્યારી ડેમ ખાતે ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી 108 તેમજ ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા અરૂણકુમારના મૃતદેહને ડેમના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર રહેલી 108ની ટીમ દ્વારા અરૂણકુમારને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 194 મુજબ અકસ્માતે મોત રજિસ્ટર્ડ કરવામાં આવ્યું છે. તેમજ અરૂણકુમાર દ્વારા કયા કારણો સર આપઘાત કરવામાં આવ્યો તે અંગે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઇન્વેસ્ટિગેશન ઓફિસર જી.કે. પરમારના જણાવ્યા અનુસાર અરૂણકુમાર છેલ્લા એક દોઢ વર્ષથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતો હતો. તેમજ રાજકોટ તે બે દિવસ પૂર્વે જ આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલના રેડિયૉલૉજિસ્ટ વિભાગમાં ફરજ બજાવનાર બે કર્મચારીઓ રજા ઉપર ગયા હતા. જેથી તેમની અવેજીમાં અરૂણકુમાર ડેપ્યુટેશન ઉપર રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફરજ બજાવવા આવ્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવારના રોજ તે ન્યારી ડેમ ખાતે કોઈ કારણોસર ડેમના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. પરિવારજનોના નિવદેન બાદ આપઘાત મામલે કોઇ તથ્ય સામે આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.