રિપોર્ટ@રાજકોટ: નશામાં ધૂત કાર ચાલક યુવકે ત્રણ વાહનોને અડફેટે લીધા

એક કારચાલક દારૂના નશામાં ધૂત બની પૂરપાટ ઝડપે કાર ચલાવી એક રિક્ષા, એક કાર અને એક બાઈકને હડફેટે લઇ નાસી છૂટ્યો હતો.
 
રિપોર્ટ@રાજકોટ: નશામાં ધૂત કાર ચાલક યુવકે ત્રણ વાહનોને અડફેટે લીધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક ખાતે એક કારચાલક દારૂના નશામાં ધૂત બની પૂરપાટ ઝડપે કાર ચલાવી એક રિક્ષા, એક કાર અને એક બાઈકને હડફેટે લઇ નાસી છૂટ્યો હતો. જો કે, અન્ય વાહન ચાલકે તેનો પીછો કરી તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસે કારચાલકને પોલીસ સ્ટેશન લઇ જઈ પૂછપરછ કરતા તેનું નામ રાજ ગામી હોવાનું અને તે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને મોટર વહિકલ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રઘુભા જાડેજાએ કારચાલક રાજ ગામી વિરુદ્ધ પ્રોહી કલમ 66(1)બી, તથા એમ.વી.એકટ કલમ 185, 184, 177 તથા BNS કલમ-281 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ ગામીની પત્ની ડોક્ટર છે અને પોતે કોટેચા ચોક સ્થિત ગજાનંદ ફૂડ રેસ્ટોરન્ટ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.