રિપોર્ટ@રાજકોટ: ભાજપના પૂર્વ કોર્પોરેટરે સેટલમેન્ટના નામે 3 લાખ માગતા ખળભળાટ મચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વીડિયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ, પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ મિટિંગો યોજી રૂ. 3 લાખથી શરૂ કરી છેલ્લે સવા લાખની રોકડની માંગણી કરી હતી.
જેની સમગ્ર વાતચીત બાંધકામ કરનાર પરિવારે વીડિયોમાં કેદ કરી લીધી છે. જોકે, આ મામલે અનિલ મકવાણાએ પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી લેતી-દેતીને બિઝનેસ મેટર ગણાવી છે, બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ ઘટનાને ગંભીર ગણાવી શિસ્તભંગના કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. જોકે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કારસ્તાનનું મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.

