રિપોર્ટ@રાજકોટ: 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જાણો વધુ

આ પતંગ મહોત્સવમાં 50 કરતાં વધારે દેશોના પતંગબાજો ભાગ લેશે.
 
રિપોર્ટ@રાજકોટ: 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તરાયણના તહેવારના હવે થોડાક દિવસો બાકી રહ્યા છે. લોકો ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે. રાજકોટ શહેરમાં 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો છે. વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો હતો. એને બદલે હવે મહાપાલિકાના યજમાનપદે પતંગ મહોત્સવ યોજાશે. સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ કે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજાતો હોય છે. આ વખતે અલગ અલગ ચાર મેદાનમાંથી કોઇ એક મેદાન નક્કી કરવામાં આવશે, જેમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત ચાર મેદાન અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ પતંગ મહોત્સવમાં 50 કરતાં વધારે દેશોના પતંગબાજો ભાગ લેશે.

આગામી 11 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી કોલેજમાં ગુજરાત રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે, જેના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીના બપોરે રાજકોટ આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા એક તરફ વડાપ્રધાનના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ વાઈબ્રન્ટ સમિટના એક દિવસ અગાઉ 10 જાન્યુઆરીએ જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

અગાઉ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ એકલા હાથે કરવાનું હતું, પણ પતંગ મહોત્સવ માટે રેસકોર્સ મેદાન મળે એમ ન હોઈ પ્રવાસન વિભાગે હાથ ઊંચા કરી દઈને રાબેતા મુજબ મહાનગરપાલિકા પર જવાબદારી થોપી દીધી છે, આથી હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મહાનગરપાલિકાના યજમાનપદે યોજાશે.