રિપોર્ટ@રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે અચાનક ભીષણ આગ લાગી, ગૂંગળામણથી માતા-પુત્રનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે.રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના કારણે ફ્લેટની અંદર હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ જવા પામી છે જયારે ઘરની અંદર રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્રને ગૂંગળામણના કારણે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગેની જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ મેળવી માતા-પુત્રના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.બોરીસાગરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં ગઇકાલે રાત્રિના 12 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેના કારણે ફ્લેટમાં હોલ તેમજ કિચનની અંદર સામગ્રી બળીને ખાખ થઇ ગઈ છે.
આગ લાગી ત્યારે ઘરની અંદર રૂમમાં વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા જેમની ઉંમર આશરે 62 વર્ષ છે જેમને કોઈ બર્ન ઇન્જરી થવા પામી નથી, પરંતુ ગુંગળામણ થવાના કારણે બેભાન હાલતમાં બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક રીતે આ બનાવમાં આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું મામવામાં આવી રહ્યું છે, પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવશે. FSL રિપોર્ટ આવ્યા બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે.
બનાવ અંગેની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવમાં બન્ને માતા-પુત્રના મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલા પૌત્ર સમીર ઘરે હાજર ન હોવાથી તેમનો જીવ બચી ગયો છે. પોલીસ દ્વારા તેમનું પણ નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

