રિપોર્ટ@રાજકોટ: ધડ વગર મળેલા માથાનો ભેદ ઉકેલાયો, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેર પોલીસ ચોપડે હૈયું કંપાવનારી ગુનાહિત ઘટનાઓ પૈકીની એક એવી 'ધડ વગરના માથા'ની મિસ્ટ્રી આખરે 8 વર્ષ બાદ મહદઅંશે ઉકેલાઈ ગઈ છે. આજથી 8 વર્ષ પૂર્વે ડિસેમ્બર, 2018માં આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું ધડથી કાપેલું માથું મળી આવ્યું હતું. આ ગુનામાં પશ્ચિમ બંગાળના એક શખ્સની સંડોવણી હોવાની આશંકા છે. હાલમાં એક પરિવારના DNA સેમ્પલ લઈને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકવાયા છે. આ ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટ પોલીસ દ્વારા સત્તાવાર રીતે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગત વર્ષે પકડાયેલા ઠેકેદારે ઓકી હકીકત, આખો ઘટનાક્રમ
આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આજથી બરાબર એક વર્ષ પહેલાં, 7 જૂન, 2025ના રોજ રાજકોટ પોલીસે પશ્ચિમ બંગાળના એક ક્રૂર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી 21 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા. તે સમયે પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, અજીતમુલા પશ્ચિમ બંગાળથી ગરીબ માતા-પિતાને માસિક ₹8,000નું વેતન આપવાની લાલચ આપી બાળકોને રાજકોટ લાવતો હતો. જો કોઈ બાળક કામ કરવાની ના પાડે કે સામો જવાબ આપે, તો તે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો.
પોલીસને તેના આ ક્રૂર વર્તન પર શંકા જતાં, અગાઉ 2018માં મળેલા ધડ વગરના માથા અંગે આકરી પૂછપરછ કરી હતી. તે સમયે તેણે આવા એક કૃત્યને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, પરંતુ ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા માનવ તસ્કરી અને અત્યાચારના ગુના હેઠળ ત્યાંની પોલીસે તેની ધરપકડ કરી હતી.
બંગાળ પોલીસે આરોપીની સઘન પૂછપરછ અને અલગ-અલગ દિશામાં તપાસ કરતાં ત્યાં એક એવો ગરીબ પરિવાર સામે આવ્યો હતો, જેણે પોતાનું બાળક આ ઠેકેદાર અજીતમુલાને સોંપ્યું હતું, પરંતુ તે ક્યારેય પરત ફર્યું નહોતું. આ મજબૂત શંકાના આધારે પોલીસે તે પરિવારના સભ્યોના DNA સેમ્પલ મેળવીને રાજકોટમાંથી વર્ષો પહેલાં મળેલા બાળકના માથાના DNA સાથે મેચ કરવા માટે ગાંધીનગર સ્ટેટ એફએસએલ (FSL) લેબમાં મોકલી આપ્યા છે. આ રિપોર્ટ આવતાં જ ગુનાની સત્તાવાર પુષ્ટિ થશે અને રાજકોટ પોલીસ આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે બંગાળથી અહીં લાવશે.

