રિપોર્ટ@રાજકોટ: 11જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદઘાટન કરશે

55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે 
 
રિપોર્ટ@ગુજરાત: 11જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કેટલાક કાર્યોનું લોકાપર્ણ કરશે.વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે.

આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.સોમનાથી પીએમ મોદી હેલિકોપ્ટર મારફત બેડી માર્કેટીંગ યાર્ડમાં બનાવાયેલા હેલીપેડ પર આવી પહોંચશે. ત્યાંથી સીધા મારવાડી યુનિવર્સિટી પહોંચશે. પીએમના હસ્તે રિજનલ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે.

મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર વિશાળ જગ્યામાં ખાસ એક્ઝિબિશન માટે 26,400 સ્કવેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઇ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેની અંદર સ્પેશિયલ MSME હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એક કોન્ફોરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે. અહિયાંથી લાખો કરોડોની કિંમતના MOU થવાનો પણ અંદાજ છે અને આ જ હોલમાં બે દિવસ સુધી કોન્ફોરન્સ, સેમિનાર, કોન્ક્લેવ, અને વક્તાઓના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.મારવાડી યુનિવર્સિટીની 55 એકર જગ્યામાં કુલ 6 એક્ઝિબિશન હોલ તૈયાર કરવામાં આવ્યા છે જયારે કે જમણી તરફ વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એ જ રીતે મેઈન બિલ્ડિંગની બાજુમાં મુખ્ય ઇનોગ્રેશન હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જયારે જમવા માટે બે અલગ અલગ જગ્યા પર ડાઇનિંગ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં એક સિલ્વર ડાઇનિંગ કે જે મેઈન બિલ્ડિંગની પાછળ F ટાવરની બાજુમાં અને ગોલ્ડ ડાઇનિંગ વ્યવસ્થા ટાગોર ટાવરની બાજુમાં મેઈન બિલ્ડિંગની સામે કરવામાં આવી છે. આ ઉપર મેઈન બિલ્ડીંગ પાછળ એક ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવેલ છે.

11 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઉદઘાટન સેરેમની ઉપરાંત બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, ગ્રીન સ્ટાર્ટઅપ, ઓઇલ એન્ડ ગેસ, શિપબિલ્ડીંગ, વુમન એમ્પાવર, એમ્પાવર ગુજરાત કોન્ફોરન્સ સેમિનાર કોન્ક્લેવ થવાના છે જયારે અંતમાં કલચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા દિવસે 12 જાન્યુઆરીના રોજ ટુરિઝમ, બ્લુ ઈકોનોમી, સીરામીક કોન્ક્લેવ, ગિફ્ટ સીટી ઑપર્ચ્યૂનિટિ, માઇનિંગ રિવોલ્યુશન, MSME કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ સેમિનાર, ડિફેન્સ, બાંધણી-પટોળાની અંદર ગ્લોબલ ઑપર્ચ્યૂનિટિ, આયાત નિકાસ સેમિનાર વગેરે આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમિટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ 11 ડીસીપી 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના 210 જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. આ ઉપરાંત SPG ટિમ પણ હાલ રાજકોટમાં આવી પહોંચી છે જેમના દ્વારા પણ મારવાડી યુનિવર્સીટી ખાતે સુરક્ષા બંદોબસ્ત અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.