રિપોર્ટ@રાજકોટ: આજે વડાપ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશે

આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. 
 
રિપોર્ટ@રાજકોટ: આજે વડાપ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવેલ છે. આજે વડાપ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફોરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટની અનેક કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગન બુલેટ્સ, રિવોલ્વર, રાઇફલ, બોમ્બ સેલ, હેન્ડ બોમ્બ શેલ, એરક્રાફ્ટ, એરોસ્પેસ કોમ્પોનન્ટ, ટેક્નોલોજી તથા મશિનરી બનાવી રહી છે તેને વેગ આપવા માટે ‘આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ’ સાથે નવી દિશાને ધ્યાનમાં રાખી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ડિફેન્સ પોલિસીમાં રાહતો સાથે એરો સ્પેસ પોલિસીની રજૂઆત થઇ શકે છે. ડિફેન્સ ઉત્પાદનોમાં ગુજરાત અને રાજકોટ મહત્વના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આ સેગમેન્ટને વેગ આપવા માટે સમિટમાં સરેરાશ 10,000 કરોડથી વધુના MOU થાય તેવો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 2047ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની એક આ નવી પહેલ છે જેના થકી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટથી ગિરનારની ગરિમા, સોમનાથનું સત, સાવજની ડણક, સફેદ રણનું સૌંદર્ય અને હુન્નરોની હારમાળાને વૈશ્વિક ઓળખ મળશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છનો વ્યાપ વધશે જેમાં ઉદ્યોગોની સાથેસાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરાશે.

PM મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથથી હેલીકોપ્ટર મારફતે રાજકોટ આવી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હેલિપેડ પર ઉતરી અંદાજિત 1 વાગ્યે મારવાડી યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાફલો પહોંચશે.

સૌપ્રથમ PM એક્ઝિબિશન હોલની મુલાકાત કરી બાદમાં ઇનોગ્રેશન હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફોરન્સ ખાતે પહોંચી આ સમિટને ખુલ્લી મુકશે. મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર વિશાળ જગ્યામાં ખાસ એક્ઝિબિશન માટે 26,400 સ્કવેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઇ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેમાં સ્પેશિયલ MSME હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે.