રિપોર્ટ@રાજકોટ: યુવતીના ગળામાંથી મંગળસૂત્રની ચોરી કરનાર 4 આરોપી મહિલાઓને પોલીસે ઝડપી

પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલ છે
 
રિપોર્ટ@રાજકોટ: યુવતીના ગળામાંથી મંગળસૂત્રની ચોરી કરનાર 4 આરોપી મહિલાઓને પોલીસે ઝડપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.   રાજકોટ બસ પોર્ટમાંથી મહિલાના ગળામાંથી મંગળસૂત્રની ચોરી કરનાર આદિવાસી ગેંગની માતા-પુત્રી સહિત ચાર મહિલાઓને ઝડપી એ ડીવીઝન પોલીસને મોટી સફળતા મળી હતી. આદિવાસી ગેંગ પાસેથી રૂા.1.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

બનાવ અંગે લોધીકામાં રહેતા ગીતાબા જાડેજાએ એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઆ ગઈ તા.4ના સવારે ભાવનગરથી લોધીકા જવા માટે આવતા હતા ત્યારે તેઓ રાજકોટ બસપોર્ટ પર આવ્યા હતા જયાં તેઓએ ચા પી પ્લેટફોર્મ નં.15, 16, 17 પર બસની રાહ જોતા હતા દરમ્યાન પ્લેટફોર્મ નં.17 પર બસ આવતા તેઓ બસમાં બેસી ગયેલ હતા.

દરમ્યાન ટીકીટ લેવા માટે થેલામાં રાખેલ પર્સ કાઢી જોતા તેમાં રાખેલ સોનાનું મંગળસુત્ર રૂા.80 હજારનો મુદામાલ જોવા ન મળતા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી. બારોટની રાહબરીમાં ટીમે એસટી બસપોર્ટમાં રહેલ સીસી ટીવી કેમેરા મારફતે તપાસ હાથ ધરતા એએસઆઈ એમ.વી. લુવા, કોન્સ. જયરાજસિંહ કોટીલા અને હરપાલસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીને આધારે બસપોર્ટના પાછળના ભાગેથી ચાર શંકાસ્પદ મહિલાને પકડી તેની પાસે રહેલ પાકીટ ચેક કરતા ચોરી થયેલ સોનાનું મંગળસુત્ર મળી આવતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મંગીબેન જીમાલ ભાભોર તેમજ તેની સગીરવયની પુત્રી રહે. દાહોદ, તેમજ મીરાબેન આકાશ મેડા અને અન્ય એક સગીરા (રહે. બન્ને મધ્યપ્રદેશ)ને દબોચી રૂા.એક લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપીની પુછતાછમાં તેઓ ભીડભાડ વાળી જગ્યાએ જઈ લોકોની નજર ચુકવી ચોરીને અંજામ આપતા હતા તેમજ ત્રણ દિવસ પહેલા ચોરેલ સોનાના મંગળસૂત્ર લઈ તેઓ શિવરાત્રીનો મેળો કરવા જુનાગઢ જવાના હતા. ઉલ્લેખનીય છે કે આરોપી મંગીબેન ઉપર સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલ છે.