રિપોર્ટ@રાજકોટ: 2000થી વધુ મહિલાઓ માથે પોથી લઈને પગપાળા યાત્રામાં જોડાઈ

રાજકોટમાં બની રહેલા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આજથી રામકથાની શરુઆત થવા જઈ રહી છે. મોરારીબાપુની રામકથા પહેલા આજે સવારે પોથીયાત્રા કાઢવામાં આવી.
 
રિપોર્ટ@રાજકોટ: રામકથા પોથીયાત્રામાં 2000થી વધુ મહિલાઓ માથે પોથી લઈને પગપાળા યાત્રામાં જોડાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં બની રહેલા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આજથી રામકથાની શરુઆત થવા જઈ રહી છે. મોરારીબાપુની રામકથા પહેલા આજે સવારે પોથીયાત્રા કાઢવામાં આવી. આ પોથીયાત્રામાં 2000થી વધુ મહિલાઓ માથે પોથી લઈને પગપાળા યાત્રામાં જોડાઈ હતી.રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આજથી શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

તેવામાં કથા પૂર્વે સવારે વાજતેગાજતે પોથીયાત્રા નીકળી હતી. મુંજકામાં પોથી પૂજન બાદ વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારિબાપૂએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી. જેમાં ઠેર-ઠેર બનેલા સ્વાગત સ્ટેજ પર ભગવાન શ્રીરામના ગીતો ગૂંજ્યા હતા.

આ તકે પોથીયાત્રામાં જોડાયેલા બાળકો ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા બન્યા હતાં તો અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ પણ જોવા મળી હતી. શહેરના રસ્તા ઉપર નીકળેલી આ પોથીયાત્રાથી સમગ્ર રાજકોટ જાણે રામમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.