રિપોર્ટ@રાજકોટ: રૂરલ SOG દ્વારા રૂ.1.20 કરોડની કિંમતનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપ્યો, 6 શખ્સો પકડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ રૂરલ SOG દ્વારા રૂ.1.10 કરોડની કિંમતનો 1.20 કિલો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કોસ્મેટિક અને મોંઘી દવાઓ બનાવવામાં ઉપયોગી માછલીની ઉલટી સાથે 6 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેઓ તારાપુરથી આ જથ્થો લાવ્યા હતા અને રૂ.25 લાખમાં તેની ડીલીવરી કરવા માટે પડધરીની ખાનગી હોટલ ખાતે મીટીંગ હતી તેની પૂર્વ બાતમીના આધારે આ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે આ શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.
પડધરી - જેતપુર DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ગત તા.12 ઓક્ટોબરના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસ.ઓ.જી. શાખાના પી.આઈ. પારઘી તેમજ તેમની ટીમને માહિતી મળી હતી કે, જામનગર તરફથી બે ગાડીમાં પાંચ-છ શખ્સો એમ્બર ગ્રીસ એટલે કે માછલીની ઉલટી કહેવાય એ પદાર્થ લઈને નીકળનાર છે અને પડધરીની માધવ હોટલ ખાતે તેમની મીટિંગ થવાની છે. જેથી પોલીસે અગાઉથી વોચ ગોઠવી 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ શખ્સો પાસેથી 1 કરોડ 10 લાખ 80 હજાર જેટલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. 1.20 કિલો એમ્બર ગ્રીસ
કબજે કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ
કોસ્મેટિકમાં અને મોંઘી દવાઓ બનાવવામાં થતો હોય છે. પોલીસે મેહુલ રાઠોડ, ભાનુ ચાવડા, વિજયસિંહ ઝાલા, પ્રશાંત જાટ, ધર્મેન્દ્રસિંહ કંચવા અને સાવન જાટને ઝડપી પાડ્યા છે.
જેમાં ભાનુ ચાવડા એમના મિત્રને આ એમ્બર ગ્રીસનો જથ્થો વેચવાના હતા તેવી પ્રાથમિક માહિતી મળી છે. જે તારાપુર મુકામેથી મિત્રને બોલાવી તેમને વેચવાના હતા. જ્યારે આ જથ્થો અન્ય કોઈ નથી વેચવાના હતા કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. આ ઉપરાંત એમની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી રહી છે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, તારાપુર મુકામેથી એ લોકોએ એમ્બર ગ્રીસનો જથ્થો લઈ અને ભાનુભાઈ જે તારાપુરના જ છે. મોરબી મુકામે હાલ રહે છે અને તેમણે ગ્રાહક પણ શોધી આપવાની ખાતરી આપી હતી. જેથી આ લોકો જામનગર તરફથી અહીંયા ભેગા થઈ અને પછી આગળનું ડિસાઈડ કરવાના હતા. જે અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે રૂ.1.01 કરોડનો એમ્બર ગ્રીસનો જથ્થો, રૂ.9 લાખની 2 કાર અને રૂ.60 હજારનો મોબાઈલ મળી રૂ.1,10,80,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

