રિપોર્ટ@રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની ભરતીમાં ફરી ગોલમાલ

1 વર્ષ બાદ હવે ફરીથી રિસર્ચ આસિસ્ટન્ટની ભરતી માટે તાજેતરમાં 3 સપ્ટેમ્બરના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા
 
રિપોર્ટ@રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની ભરતીમાં ફરી ગોલમાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ભરતીમાં ગોલમાલની ઘટનાઓ સામે આવતી હોય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની ભરતીમાં ફરી ગોલમાલ.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની ભરતીમાં ચોક્કસ લાયકાત જાહેર કરતા લાગતાં વળગતાઓની પસંદગી થાય તે પ્રકારની જાહેરાત અગાઉ માર્ચ, 2023માં આપવામાં આવી હતી. જેમાં માત્ર LLMની લાયકાત રાખવામાં આવી હતી. જે બાબતે અગાઉ અહેવાલ બાદ અગાઉના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા હતા અને નવેસરથી ભરતી કરવા માટે અખબારમાં જાહેરાત આપવામા આવશે તેવું નક્કી કરવામા આવ્યું હતું. ત્યારે તેના 1 વર્ષ બાદ હવે ફરીથી રિસર્ચ આસિસ્ટન્ટની ભરતી માટે તાજેતરમાં 3 સપ્ટેમ્બરના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. જો કે, તેમાં પણ ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, LLM અને PhDને બદલે માત્ર અનુસ્નાતક અને LLMના ઉમેદવારોને બોલાવવામાં આવતા ફરી એક વખત આ ભરતી મામલે વિવાદ ઊભો થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા SPRIHA અંતર્ગત રિસર્ચ આસિસ્ટન્ટ 2 જગ્યા પર કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા પર રૂ. 40,000ના પગારથી નિમણૂક આપવા માટે ગત તારીખ 3 સપ્ટેમ્બરના વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવાયા હતા. જો કે, તેમાં ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, LLM અને પીએચ.ડી. ને બદલે માત્ર અનુસ્નાતક અને LLM થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.

પરંતુ તેમાં SPRIHAની ગાઈડ લાઈનનું સીધી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. કારણ કે, આ જ પ્રકારની ગ્રાન્ટ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં આપવામાં આવેલી છે અને તેમાં ચારેય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર 2 જ પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોને જ બોલવામાં આવતા વિવાદ ઊભો થયો છે. જો કે, આ બાબતે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બે જ કેટેગરી માટે ગ્રાન્ટ મળી હતી. જેથી તેમાં જ ઇન્ટરવ્યૂં ગોઠવવામાં આવ્યા હતા. જો કે, તે ભૂલ ભરેલું હોય તેવું લાગી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2023માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા SPRIHA એટલે કે બૌદ્ધિક સંપદા અંતર્ગત રૂ. 5 કરોડની ગ્રાન્ટ મળી હતી. જે અંતર્ગત રૂ. 19 લાખનો પ્રથમ હપ્તો મળ્યા બાદ રૂ. 1 લાખના માસિક પગારથી ચેર પ્રોફેસર દીપક પરમારની નિમણૂક કરાઈ હતી. જો કે, આ ચેરમાં અગાઉ રિસર્ચ આસિસ્ટન્ટની ભરતી માટેના ઇન્ટરવ્યૂ આજે હતા. તેમા એકપણ ઉમેદવાર નહોતા આવ્યા. જેથી લાયકાતમાં સુધારો કરી નવેસરથી અખબારોમાં જાહેરાત આપવાનો નિર્ણય લેવાયો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા SPRIHA એટલે કે બૌદ્ધિક સંપદા વધારવા માટેની યોજના અંતર્ગત રાજ્યમાં GTU, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાન્યુઆરી માસમાં ગ્રાન્ટની ફાળવણી થઈ હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 5 વર્ષ માટે રૂ. 5 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. જે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માસિક રૂ. 1 લાખના માસિક મહેનતાણા સાથે ચેર પ્રોફેસરની નિમણૂક કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ટર્નલ ટ્રેડિંગ અંતર્ગત એક ચેરની સ્થાપના કરી છે. જેનું ટેકનિકલ નામ SPRIHA (Scheme for pedagogy and reasearch in IPRs for holistic education and acedemia) છે.

આ ચેર અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 5 વર્ષ માટે રૂ. 5 કરોડની ગ્રાન્ટ મળી છે. જે અંતર્ગત પ્રથમ હપ્તો રૂ. 19 લાખનો મળેલો છે. જેમાં 1 પ્રોફેસર દીપક પરમાર કે, જેની માસિક રૂ. 1 લાખના ફિક્સ પગારથી નિમણૂક થઈ છે. જ્યારે 2 JRF (જુનિયર રિસર્ચ ફેલો)ની નિમણૂક બાકી હતી. આ ચેર અંતર્ગત પેટન્ટ, કોપીરાઇટ, GI અંગે જાગૃતિ સેમિનાર, વર્કશોપ, સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે અને તેનાથી સંશોધનને વેગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

હવે SPRIHAની ગાઇડલાઇન પર નજર કરીએ તો તેમાં 2 રિસર્ચ આસિસ્ટન્ટની ભરતી માટેની લાયકાતમાં ગ્રેજ્યુએટ, PG/LLM અને પીએચ.ડી. લાયકાત લખવામાં આવી છે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 28મી ફેબ્રુઆરી, 2023એ બહાર પાડેલી જાહેરાતમાં લખ્યું હતું કે, SPRIHA અંતર્ગત 2 રિસર્ચ આસિસ્ટન્ટની 11 માસના કરાર પર ભરતી કરવા માટે તા. 7 માર્ચ, 2023ના બપોરે 1 વાગ્યે વોક ઈન ઇન્ટરવ્યૂ રખાયા હતા. જોકે તેમાં માત્ર LLMની લાયકાત માગવામાં આવી હતી. જેથી અહીંની 2 પોસ્ટ પર માનીતાઓને પસંદ કરવાના હોય તેવી ચર્ચા ઉઠી હતી.

આ જ પ્રકારે આ વખતે પણ 3 સપ્ટેમ્બર, 2024માં રિસર્ચ આસિસ્ટન્ટની 2 પોસ્ટ પર કોન્ટ્રેક્ટ આધારિત ભરતી માટે ગોઠવાયેલા ઇન્ટરવ્યૂમાં થયેલી ગોલમાલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે આ ચેરના ચેર પ્રોફેસર દીપક પરમારનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી અને સમગ્ર મામલે ઢાંક પીછાડો કરવાના પ્રયાસ કરી રહ્યા છે.