રીપોર્ટ@રાજકોટ: કપાસિયા તેલના નામે પામોલીન ધાબડીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું

રાજકોટ શહેરમાં નફાખોરી માટે ભેળસેળ અને હલકી ગુણવત્તાની વસ્તુઓ વધુ પૈસા લઈને વેચવાની વૃત્તિ અમુક તત્ત્વોમાંથી જતી જ નથી
 
રીપોર્ટ@રાજકોટ: કપાસિયા તેલના નામે પામોલીન ધાબડીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ફરી એકવાર આવા લેભાગુ તત્ત્વોનો પર્દાફાશ થયો છે. ફૂડ શાખાએ લીધેલા એક સેમ્પલમાં કપાસિયા તેલના નામે પામોલીન ધાબડીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.
મનપાની ફૂડ શાખાએ દોઢ મહિના પહેલા ચુનારાવાડ-૪માં સુનિલ હરેશ રાવતાણીની પેઢીમાં વેચાતા સ્વસ્તિક બ્રાન્ડ કપાસિયા તેલના ૧ લિટર પેકેટનો નમૂનો લીધો હતો. આ પેઢીમાં લૂઝ તેલ મગાવીને તેને ફરી પેકિંગ કરી લેબલ લગાવી વેચવામાં આવતું હતું. સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવતા તંત્ર પણ ચોંક્યું હતું કારણ કે, જે તેલ કપાસિયાના નામે વેચાઈ રહ્યું છે તેમાં 1 ટકા પણ કપાસિયાની હાજરી મળી નથી. આ તમામ તેલ પામોલીન જ હતું અને તેને કપાસિયાના નામે વેચી દેવાતું હતું. આ નમૂનો ફેલ થતા હવે એજ્યુડિકેટિંગ ઓફિસર અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલશે.પામોલીન તેલ ભાવેભાવ વેચવામાં આવે તો પણ તેને વેચનારને થોડો ઘણો નફો તો થતો હોય છે પણ સુનિલે આ નફા ઉપરાંત કપાસિયા અને પામોલીનના ડબ્બાના ભાવમાં જે 300 રૂપિયાનો ફેર છે તે પણ હજમ કરી જવા માટે લૂઝમાં તેલ ખરીદીને બાદમાં તેને બોટલમાં પેક કરી તેના પર કપાસિયાનું લેબલ લગાવી વેચવાનું ચાલુ કર્યું છે. જોકે આ કેટલા સમયથી ગોરખધંધો ચલાવતો હતો, માલ ક્યા ક્યા હોલસેલમાં વેચ્યો તે બધી જ બાબતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.પામોલીન તેલને કપાસિયા તરીકે વેચાય તો કોઈને ખબર ન પડે તે પ્રશ્ન કરાતા આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, પામોલીન સૌથી સસ્તું તેલ છે. આ તેલનો ઉપયોગ અન્ય તેલમાં ભેળસેળ કરવા વપરાતું હોવાનું ધ્યાને આવ્યું છે. પણ, પામોલીન તેલ જ બીજા નામે વેચવા માટે તેમાં એસેન્સ નખાય છે. જેને આર્ટિફિશિયલ ફૂડ એનહાન્સર કહેવાય છે. આવા એન્હાન્સર વેચવા પર પ્રતિબંધ છે છતાં અમુક શખ્સો તે શોધી કાઢે છે. આ એસેન્સ પામોલીન તેલમાં નખાય એટલે કપાસિયા ઉપરાંત સિંગતેલની પણ સુગંધ આવે છે આ રીતે ગ્રાહકોને હલકો માલ વેચવામાં આવે છે.
ફૂડ શાખાએ કોઠારિયા રોડ સ્વિમિંગ પૂલ પાસેથી નિશાંત સતાશિયા નામના વ્યક્તિની દુકાનમાં છૂટક વેચાતા ઘીના નમૂના લીધા હતા જેના રિપોર્ટમાં વેજિટેબલ ફેટ એટલે કે પામોલીનના ઘીમાં હળદર ભેળવીને વેચાતું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જલિયાણ એન્ટરપ્રાઈઝ મોચીનગરમાંથી જિગ્નેશ રૂપારેલિયા પાસેથી શિખંડનો નમૂનો લેવાયો હતો જેમાં મિલ્ક ફેટ ઓછા નીકળતા તે નમૂનો પણ ફેલ થયો છે.

સુરતમાં પિઝા વેચતા નેશનલ અને મલ્ટિનેશનલ રેસ્ટોરન્ટમાંથી ચીઝ અને મેયોનીઝના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ ફેલ થતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પણ ધમધમાટ શરૂ કરીને રામકૃષ્ણ મેઈન રોડ પર આવેલા વિલિયમ જોન્સ પિઝા, લા. મિલનો પિઝેરિયામાંથી પિઝા, મેયોનીઝ, ચીઝ સહિતના નમૂના લીધા હતા. આ ઉપરાંત શિવ જલારામ એન્ટરપ્રાઈઝ કે જે પણ પિઝાની જ રેસ્ટોરન્ટ છે ત્યાંથી પણ ચીઝ અને મેયોનીઝના નમૂના લીધા હતા પણ બ્રાન્ડનું નામ જાહેર કરાયું નથી.