રિપોર્ટ@રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 1 લાખથી વધુ પેજની ચાર્જશીટ રજૂ કરાઈ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ લોકોના હદય કંપાવી ઉઠ્યા હતા. ભયાનક દુર્ઘટનામાં ગણા લોકોના મોત નીપજ્યા હતા. આજથી 60 દિવસ, પહેલાં એટલે કે 25 મે 2024ના રાજકોટની એક ઘટનાએ રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. એમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભૂંજાઈ ગયા હતા.
આગની દુર્ઘટનામાં મનપા તંત્રની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ, ચીફ ફાયર ઓફિસર તેમજ ગેમઝોનના સંચાલકો સહિત કુલ 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ બધા આરોપી હાલ જેલના સળિયા પાછળ છે. 25 જુલાઈના રોજ ઘટનાને 60 દિવસ પૂર્ણ થયા છે, માટે નિયમ મુજબ આ પહેલાં ગઈકાલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ACP ક્રાઈમ ભરત બસિયા દ્વારા 15 આરોપી સામે 1 લાખથી વધુ પાનાંની ચાર્જશીટ 3 મોટા થેલામાં ભરી કોર્ટમાં લઇ જવામાં આવી હતી.
આ ચાર્જશીટમાં 350 જેટલા સાહેદોનાં નિવેદન તેમજ 15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાસ્કર પરેશ અપહરણ કેસમાં પોલીસે આનાથી મોટી ચાર્જશીટ ફાઈલ કરી હતી, કારણ કે આ કેસમાં કુલ 50 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.