રિપોર્ટ@રાજકોટ: કાકા-ભત્રીજા પર ફાયરિંગ કર્યું, 1નું મોત, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાંથી હદય કંપાવતી ઘટના સામે આવી છે. રાજકોટમાં ગઇકાલે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
વધુમાં એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, મૃતક કૃષ્ણદીપસિંહ મોકાજી સર્કલ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા માણસો સાથે તેમને કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી બાદ તે વ્યક્તિઓએ પોતાના પિતાને હથિયાર સાથે ત્યાં બોલાવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર કે રિવોલ્વર જેવા હથિયારમાંથી સીધું આવીને જ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં કૃષ્ણદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાથી હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ મામલે હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં હજી કોઈ આરોપીઓના ચોક્કસ નામ સામે આવ્યા નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મૃતક કૃષ્ણદીપસિંહના ભાઈ પોલીસ વિભાગમાં જીઆરડી ટીમમાં ફરજ બજાવે છે.
ઘટના અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 8 જુલાઈના સાંજના સમયે બાઈક ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ મવડીના નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેમના બે પુત્ર રાજવીર અને અભી વાળા દ્વારા મોકાજી સર્કલ પાસે રહેતા કાકા રહેન્દ્રસિંહ અને ભત્રીજા કૃષ્ણદીપસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું મૃત્યુ થયું છે, જ્યારે કાકા રહેન્દ્રસિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહના મૃતક અને તેનો પરિવાર કૌટુંબિક સગા થતા હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનામાં 7થી 8 જેટલા શખસો સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.

