રિપોર્ટ@રાજકોટ: 300 કરોડના ખર્ચે દેશનો સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમ બનશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં 300 કરોડના ખર્ચે દેશનો સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. . પડધરીના રામપર નજીક બની રહેલા આ વૃદ્ધાશ્રમમાં એક સાથે 5100 વૃદ્ધો રહી શકે તે માટે 11 માળના કુલ 7 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં જે વૃદ્ધોને રાખવામાં આવશે તેઓને હોટલ જેવી સુવિધા મળી રહેશે. રાજકોટ નજીક બની રહેલા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમના લાભાર્થે 23મી તારીખથી રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથા યોજાશે. રાજકોટના રેસકોર્સમાં મોરારિબાપુની કથાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આવી રહ્યો છે.
દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે. જામનગર રોડ ઉપરના રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂ. 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાંથી નિરાધાર, અશકત, પથારીવશ, કોમામાં તેમજ ડાઈપર ઉપર રહેલા 5,100 વડીલોને આશરો મળી રહે તે માટે 1,400 રૂમો તૈયાર કરવામાં આવેલા છે.
11 માળના 7 બિલ્ડિંગમાં વડીલોને નિ:શુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનુ, ગાર્ડન, કોમ્યુનિટી હોલ અને બાગ બગીચા સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવશે.