રિપોર્ટ@રાજકોટ: શંભુ, ભીંતિયા બોમ્બ, રોકેટ, સૂતળી બોમ્બની ચોકલેટ મોંમાં મૂકતાં જ સ્વાદનો બોમ્બ ફૂટશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં આ દિવાળીએ ફટાકડા ચોકલેટ ટ્રેન્ડિંગમાં છે. આ ચોકલેટ જોઇ તમે પણ વિચારતા થઇ જશો કે આ ખાવાની કે ફોડવાની...બાળકોની બે પ્રિય વસ્તુનું યુનિક કોમ્બિનેશન કરીને રાજકોટની એક યુવતીએ ફટાકડા ચોકલેટ બનાવી છે. શંભુ, ભીંતિયા બોમ્બ, રોકેટ, સૂતળી બોમ્બ જેવી વિવિધ વેરાયટીની ચોકલેટ મોંમાં મૂકતાં જ સ્વાદનો બોમ્બ ફૂટશે.
ખુશબુ આ અનોખી ફટાકડા ચોકલેટ બનાવનાર યુવતી ખુશબુ ગોસ્વામીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકોનો ફટાકડા ફોડવા ખૂબ જ ગમે છે અને ચોકલેટ પણ બાળકોની ખૂબ પ્રિય વસ્તુ છે. થોડાં વર્ષો અગાઉ બાળકોને ફટાકડા મોઢામાં નાખતા જોઈને મને વિચાર આવ્યો કે, ચોકલેટ તેમજ ફટાકડાનું કોમ્બિનેશન થાય તો બાળકોને ખૂબ જ મજા આવશે. એટલે મેં ફટાકડા જેવી દેખાતી ચોકલેટ બનાવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મેં ફટાકડામાં 7થી 8 જેટલી અલગ-અલગ વેરાયટી બનાવી છે. જેમાં રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ અને ટેટા જેવી ચોકલેટ બનાવી છે. એક બોક્સ બનાવતા અડધાથી પોણો કલાક જેટલો સમય લાગે છે. આ ચોકલેટ 700-1200 રૂપિયાના ભાવે વેચું છે. ઓર્ડર મુજબ ચોકલેટ બનાવી આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને કોર્પોરેટ ગિફ્ટ આપવામાં પણ આ ચોકલેટનો ભરપૂર ઉપયોગ થાય છે. માત્ર રાજકોટ નહીં, પરંતુ દેશભરમાંથી તેમને આ માટેના ઓર્ડર આવી રહ્યા છે.
આ ચોકલેટની ખાસિયતો જણાવતાં તેમણે કહ્યું હતું કે, તે દેખાવમાં રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ સહિતના વિવિધ ફટાકડા જેવી લાગે છે. પરંતુ ખાસ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને આ ફટાકડા ચોકલેટમાં ડાર્ક ચોકલેટ તેમજ ડ્રાયફ્રુટ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યું છે. સામાન્ય ચોકલેટ વધુ માત્રામાં ખાવાથી બાળકનું સ્વાસ્થ્ય બગડી શકે છે, પરંતુ આ ચોકલેટ વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન થવાની સંભાવના નહીંવત્ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
રાજકોટના સદર બજારમાં આવેલ ફટાકડા માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે દિવાળીના દિવસે રાજકોટમાં કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થશે. તો બીજી તરફ રાજકોટની યુવતીએ બનાવેલી ફટાકડા ચોકલેટ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે.