રીપોર્ટ@રાજપીપળા: કરોડોના કામો લેવા ભ્રષ્ટાચારી જોડીના ધમપછાડા, ખેતીવાડી-શિક્ષણ જાગૃત રહેશે?

વેપારીના ભ્રષ્ટાચારને રોકવામાં અને કાર્યવાહી કરવામાં નહિ આવે તો જમીની યોજનામાં જનાક્રોશ વધે તેમ છે. 

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નર્મદા જિલ્લામાં દર વર્ષે આદીજાતી વિકાસ વિભાગ હેઠળ રાજ્ય કેન્દ્ર સરકારની કરોડોની ગ્રાન્ટ વિકાસ માટે આવે છે. જેનો ઉપયોગ અને ખર્ચ અમલીકરણ મારફતે વેપારીના વેપારથી જમીની સ્તરે પહોંચે છે. અગાઉના વર્ષોમાં કરોડોના અનેક કામોમાં ગેરરીતિ, અનિયમિતતા આચરી છતાં તેમજ ક્યાંક પણ તપાસ ચાલુ છતાં ભ્રષ્ટાચારી જોડી ફરી સક્રિય થઈ છે. દાહોદ અને નવસારીના નામ માત્રના વેપારી અને એકમાત્ર કામો ખેંચી ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા નર્મદા જિલ્લામાં દોડધામ કરી રહ્યા છે. કરોડોના કામો જ્યાં આવ્યા છે તેવા ખેતીવાડી અને શિક્ષણ કચેરીના અમલીકરણ ધ્યાને લે અને ભ્રષ્ટાચારને મોકળું મેદાન ના આપે તે જરૂરી બન્યું છે. પ્રાયોજના વહીવટદારની કચેરીની ટીમ વહીવટી મંજૂરીઓ આપે પરંતુ બંને અમલીકરણ ભ્રષ્ટ જોડી સામે પારદર્શક રહેશે? તેના ઉપરનો સ્પેશિયલ રીપોર્ટ.
દાહોદ જિલ્લામાં અવારનવાર ટ્રાયેબલ સબ પ્લાન હેઠળના લાખો કરોડોના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ ઉઠે છે. આઇએએસ લોઢાના કાર્યકાળ પહેલા અને પછી ભ્રષ્ટાચારની બૂમરાણ ખૂબ વધી છે ત્યારે આઇએએસ લોઢાના સમયમાં કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થતો ના હતો. જોકે તે અગાઉ અને તે પછીના સમયમાં અમલીકરણ ખુદ ટીએસપી બની જાય અને ક્યાંક અમલીકરણ સેટ થાય તેવા કામોમાં ભ્રષ્ટાચારી વેપારીઓ ટકાવારીના જોરે કામો કરી લીધા છે. હવે આ પધ્ધતિએ નર્મદા જિલ્લામાં પણ ટીએસપીના કામો કરવા દાહોદનો ઈસમ અને નવસારીનો સંદીકાકો સંગઠનમાં ફાળો આપ્યો હોવાની શેખી મારી કામો કબ્જે કરવા મથી રહ્યા છે. જો ખેતીવાડી અને શિક્ષણવાળા આ બંને ભ્રષ્ટોને નમતુ આપશે તો ફરીએકવાર ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળી જશે. 
નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન નર્મદા જિલ્લામાં આરોગ્યના સરેરાશ 6 કરોડના કામોમા માલસામાન બોગસ અને હલકી ગુણવત્તાનો આપેલ છે. ક્યાંક માલસામાન પણ ધૂળ ખાઇ રહ્યો છે. તેવી રીતે પ્રાથમિક શિક્ષણ કચેરીમાં પણ એજ્યુકેશન કીટ મામલે પણ સુવિધિ એન્ટરપ્રાઇઝ સામે તપાસ ચાલુ છે. વારંવાર એક સવાલ બને છે કે, હાલમાં પ્રાયોજનાના સરેરાશ 6 કરોડના ખેતીવાડી અને શિક્ષણના 7થી8 કરોડના કામો લેવા દાહોદનો ઈસમ અને નવસારીનો સંદીકાકો ધમપછાડા કરે સાથે અધિકારીઓ સમક્ષ મોટી મોટી વાતો કરી આ કામો કોઈને નહિ આપી પોતાને આપવા જોર લગાવી રહ્યા છે. સુવિધિ, નાકોડા, રૂદ્ર, પાશ્વ, ઝાલોદ ટ્રેડર્સ, સંભાવના આ તમામ એજન્સીઓના નામે બોગસ કામો કરી અગાઉના સમયમાં મોટાપ્રમાણમાં બેનામી સંપત્તિ એકઠી કરી લીધી છે. 
આ ઈસમોના કૌભાંડને કારણે આદીવાસીઓને જમીની સ્તરે પૂરતા પ્રમાણમાં સરકારની યોજનાનો લાભ નહિ પહોંચતા જનાક્રોશને પગલે આમ આદમી પાર્ટીનો દબદબો વધ્યો છે. મનસુખકાકા આ ઈસમોની બોગસ એજન્સીઓને કારણે નર્મદા જિલ્લા પંચાયત અને બીજી તાલુકા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીનો વિસ્તાર વધ્યો છે. આ 2 વેપારી ઈસમોના ભ્રષ્ટાચારના કારણે નર્મદા જિલ્લામાં ભાજપાનુ નિકંદન નીકળી રહ્યું તે પાયાના કાર્યકરોને સહન થતું નથી. હવે તેની અસર હાલની ચૂંટણીમાં છેક દાહોદ જિલ્લામાં પણ ફેલાઇ છે. જો આ બંને વેપારીના ભ્રષ્ટાચારને રોકવામાં અને કાર્યવાહી કરવામાં નહિ આવે તો જમીની યોજનામાં જનાક્રોશ વધે તેમ છે.
જાણમાં એવું પણ આવ્યું છે કે, આ ઈસમો પ્રાયોજના વહીવટદારની કચેરીના કોઈ અધિકારીના વારંવાર સંપર્કમાં પહોંચી તોડજોડ ગોઠવી મનસ્વી વહીવટી કરાવવા અને કામો કબ્જે કરવા આંટાફેરા મારે છે. આટલું ઓછું હોય તેમ નર્મદા કલેક્ટર કચેરીમાં પણ વચેટિયા મારફતે આંટાફેરા લગાવી કરોડોના કામો લેવા ગાંધીનગરથી પણ છેડા અડાવી રહ્યા છે. વારંવાર ગાંધીનગર જવું પડતું હોઈ આ બંને ભ્રષ્ટાચારી વેપારીએ ગાંધીનગરમાં પણ મોંઘો ફ્લેટ વસાવી લીધો છે.