રિપોર્ટ@ગાંધીનગર: પરિણી યુવતીના પિયરિયાં દ્વારા ઉઠાવી જવા મામલે ઘટસ્ફોટ, જાણો વધુ

'પતિ સુસાઈડ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો'
 
રિપોર્ટ@ગાંધીનગર: પરિણી યુવતીના પિયરિયાં દ્વારા ઉઠાવી જવા મામલે ઘટસ્ફોટ, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગરના દહેગામમાં રહેતી અને દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનારી યુવતીનું તેના મામા સહિતના લોકો દ્વારા અપહરણ કરતાં ચકચાર મચી ગઈ હતી. અપહરણનાં ચોંકાવનારાં દૃશ્યો સીસીટીવીમાં કેદ પણ થયાં હતાં. યુવતીના પતિ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, ત્યાર બાદ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તેણે અપહરણનો ઈન્કાર કર્યો હતો અને પોતે સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે આવી હોવાની વાત કરી હતી. આ સાથે પતિ સહિતના લોકો સામે આક્ષેપ પણ કર્યા હતા.

આ મામલે યુવતી દહેગામ પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક ઢબે હાજર થઈ છે. પરિણીતાએ નિવેદન આપ્યું છે કે, હું મારા પતિ સાથે રહેવા માગતી નથી. આ અંગે કોર્ટમાં પણ એફિડેવિટ કર્યું છે. પતિ સહિતના સાસરિયા ત્રાસ આપતા સુધીનું યુવતીએ નિવદેન આપ્યું છે. આ અંગે ગાંધીનગર SP રવિ તેજા વાસમશેટ્ટીએ કહ્યું કે, યુવતી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ છે. જેણે પોતાના માતા-પિતા જોડે રહેવાની ઇચ્છા દર્શાવી છે. યુવતીએ નિવેદન આપ્યું છે કે, પતિ સુસાઈડ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો. આ મામલે હવે ગેરકાયદેસર મંડળી રચીને યુવકના ઘરમાં પ્રવેશવાનો ગુનો રહેશે.

અપહરણની ફરિયાદ બાદ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તેણે અપહરણ થયાનો ઈન્કાર કર્યો હતો અને પોતે સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે આવી હોવાની વાત કરી હતી. સાથે પતિ સહિતના લોકો સામે આક્ષેપ કર્યા હતા.

આ સમગ્ર મામલે દહેગામના 23 વર્ષીય રવિ હિતેન્દ્રકુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણે દોઢ વર્ષ પહેલાં આયુષી નામની યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પછી ચાર મહિના સુધી તેઓ બહાર રહ્યાં હતાં અને છેલ્લા બે મહિનાથી દહેગામમાં ઉક્ત મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતાં હતાં. રવિવારે બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં રવિના ઘરે તેની પત્ની આયુષીના મામા કાનજીભાઈ રબારી, કેવુલભાઈ રણછોડભાઈ રબારી, દક્ષ જગદીશભાઈ રબારી, ગોવિંદ કનુભાઈ રબારી અને અન્ય ત્રણ અજાણ્યા માણસો સહિત કુલ છ લોકો એક એક્ટિવા, કિયા સોનેટ અને ક્રેટા ગાડી લઈને આવ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ લોકોએ ઘર પાસે આવીને બૂમાબૂમ કરી આયુષીને તેમની સાથે મોકલી આપવા જણાવ્યું હતું. આયુષીએ તેમની સાથે જવાની ના પાડતાં તેઓ લાકડીઓ લઈને ઘરમાં ઘૂસી ગયા હતા. બાદમાં તેમણે આયુષીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કરતાં રવિ અને તેનાં માતા-પિતા, ભાઈ, વગેરે વચ્ચે પડ્યાં હતાં. આરોપીઓએ રવિ અને તેના પરિવારના સભ્યોને લાકડીઓ અને ગડદાપાટુથી માર માર્યો હતો. આ હુમલામાં રવિ અને તેનાં પરિવારજનો નીચે પડી ગયાં હતાં. બાદમાં તેઓ આયુષીને બળજબરીપૂર્વક સફેદ કલરની કિયા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા. આ ઘટના બાદ રવિએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને જાણ કરી હતી. આ મામલે દહેગામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આઠેક મહિના અગાઉ ઉક્ત પ્રેમીપંખીડાં ભાગી જતાં દહેગામના રખિયાલ પોલીસ મથકે બંને પક્ષો વચ્ચે હોબાળો મચ્યો હતો. એ સમયે યુવતીએ પતિ જોડે જવાની ઈચ્છા વ્યકત કરતાં પોલીસ અને સમાજની રાહે મામલો શાંત પડી ગયો હતો.

દહેગામની પરિણીતાના અપહરણ મામલે દહેગામ ડિવિઝનના એએસપી આયુષ જૈનની આગેવાનીમાં બે ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં બે પીએસઆઈ સહિત 8 લોકોની ટીમને એક્ટિવ કરી ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે પોલીસે દક્ષ રબારીની ધરપકડ કરી હતી. તે દરમિયાન પોલીસ દ્વારા યુવતીના ભાડજ ખાતેના પિયરમાં પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ યુવતી મળી આવી નહોતી.