રિપોર્ટ@વડોદરા: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે રોડ ચક્કાજામ કર્યો

આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટીંગાટોળી સાથે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
 
રિપોર્ટ@વડોદરા: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે રોડ ચક્કાજામ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કર્યો હતો. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી NSUIએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટીંગાટોળી સાથે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

NSUIના કાર્યકર દુષ્યન્ત રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો. ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને દારૂનો આ વેપલો ગુજરાત સરકારની રહેમરાહે ચાલી રહ્યો છે. આજે NSUI દ્વારા ચક્કાજામ કરીને તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું છે. આ ડ્રગ્સ અને દારૂનો વેપલો સરદાર અને ગાંધીના ગુજરાતમાંથી બંધ કરવામાં આવે. તમારી તાકાત ન હોય તો ગૃહમંત્રી તમારે રાજીનામું આપી દેવું જોઈએ.