રિપોર્ટ@સુરત: લૂંટનો પ્રતિકાર કરતા લૂંટારૂઓએ ચપ્પુના ઘા ઝીંક્યા, જાણો સમગ્ર ઘટના

લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો
 
રિપોર્ટ@સુરત: લૂંટનો પ્રતિકાર કરતા લૂંટારૂઓએ ચપ્પુના ઘા ઝીંક્યા, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર, છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ ડીંડોલી વિસ્તારમાં લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતો. રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતો. જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી.

મૃતક યુવાનની ઓળખ દિલીપ સુનીલ જમાદાર તરીકે થઈ છે. જે નવાગામ ડીંડોલી ખાતેની શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતો હતો અને ઉધના રોડ નંબર છ પર આવેલા જરીના કારખાનામાં નોકરી કરતો હતો. તેનું મૂળ વતન બિહારના નાલંદા જિલ્લાનું મહેતામાં ગામ છે, અને તે હાલ સુરતમાં પોતાના માસાના ઘરે રહેતો હતો, જ્યારે તેના માતા-પિતા હૈદરાબાદમાં મજૂરી કરે છે.

દિલીપ રોજની જેમ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન, કેટલાક અજાણ્યા શખસોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતાં, હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ હત્યાની જાણ થતાં જ મૃતક દિલીપના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માગ સાથે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાનો ઇનકાર કરી દીધો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે લોકોએ પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર શરૂ કર્યો હતો. તંગદિલી ભર્યા માહોલ વચ્ચે ભીડમાંથી કોઈએ પથ્થરમારો કરતાં, એક પોલીસ કર્મીના માથામાં ઈજા થઈ હતી. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

વણસતી જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડીસીપી રાજેશ પરમાર અને એસીપી દીપ વકીલે રોષે ભરાયેલા પરિવારજનો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાંબી સમજાવટ અને કડક કાર્યવાહીના આશ્વાસન બાદ આખરે પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર થયા હતા અને ત્યારબાદ જ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ડીંડોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યા કરનાર અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.