રિપોર્ટ@વડોદરા: પૂરથી થયેલા નુકસાન અંગે જાહેર કરેલા રાહત પેકેજ સામે વેપારીઓ નારાજ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
થોડા દિવસો પહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકારે પૂરથી અસરગ્રસ્ત વડોદરાના વેપારીઓ માટે 5 હજારથી લઈને 85 હજાર રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરી હતી. જોકે, વેપારીઓ સરકારની આ જાહેરાતથી નાખુશ છે અને તેમના લાખોના નુકશાન સામે હજુ પણ વધુ સહાયની રકમ વધારવા માટેની માંગણી કરી રહ્યા છે. આ જાહેરાત બાદ આજે શહેરના 5 મોટા સંગઠનોની મીટીંગ હતી, જેમાં આવનારા દિવસોમાં મુખ્યમંત્રી પાસે મીટીંગનો સમય તેમજ સહાયની રકમ વધારવાની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત સર્વેની કામગીરીમાં વેપારીઓને પણ સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.
વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખે જણાવ્યું હતું કે, વડોદરા એક માત્ર ગુજરાતનું અને ભારતનું શહેર છે કે, જેમાં અલગ-અલગ સંગઠનો વચ્ચે જ્યારે જ્યારે વેપારીઓને તકલીફ પડે છે ત્યારે આ તમામ સંગઠનો ઉદ્યોગપતિ હોય કે વેપારી જગત ભેગા થઈને અમે સરકાર સામે વેપારીના પ્રશ્નો ઉકેલવા માટે મહેનત કરીએ છે, હવે જ્યારે વડોદરામાં માનવસર્જિત પૂર આવ્યું છે અને એમાં હજારો વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એમના વળતર માટે ફરી એક વખત અમે આ પાંચ સંગઠનો ભેગા થયા છે, જેમાં અમારું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત વેપારી મંડળ, હાથીખાના ગ્રીન મર્ચન્ટ એસોસિયેશન અને એફએમસીજી, વડોદરા અને VCCI ભેગા થઈને એક નિર્ણય પર આવ્યા છીએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે એક પરિપત્ર આપ્યો અને પાંચ અલગ-અલગ રીતે સહાય માટે આપેલી છે, એમાં સુધારા-વધારા કરવા અમુક મુદ્દામાં અમે સહમત નથી. આ બધી બાબતોમાં અમે આજે ચર્ચા-વિચારણા કરીને આવ્યા છીએ કે, અમે તાત્કાલિક ધોરણે અમે મુખ્યમંત્રીની અપોઈન્ટમેન્ટ માંગવા જઈ રહ્યા છીએ. વડોદરાના તમામ વેપારીઓના સંગઠનને ગુજરાતના મુખ્યમંત્રી પ્રત્યે ખૂબ આદર ભાવ છે અને સન્માન છે અને જ્યારે-જ્યારે વેપારીઓને અને અમારા જૈન સમાજને તકલીફ પડી છે ત્યારે આ મુખ્યમંત્રીએ ત્વરિત નિર્ણય લીધેલા છે ત્યારે પાંચ મુદ્દાનો જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં પાંચ વેપારીને સામેલ કર્યા નથી એટલે અમે સરકારને કહેવા માંગીએ છે કે, જો તમારે ટ્રાન્સપરન્ટ રીતે પારદર્શક રીતે પૂરેપૂરા પૈસા પહોંચાડવા હોય અને વેપારીઓને સામેલ કરો અને તમારી સાથે વાતચીત કરવા માટેની એક મીટીંગનું આયોજન કરો.
તેઓએ ઉમેર્યું હતું કે, સરકારે જે સ્ક્વેર ફીટ પ્રમાણે સહાય આપવાની વાત કરી છે તે યોગ્ય નથી. હવે 200 ફૂટની દુકાનમાં એક નાનો વેપારી 5 કરોડ રૂપિયાનો ધંધો કરતો હોય અને એક 2000 ફૂટની દુકાનમાં વર્ષે 50 લાખનો ધંધો કરતો હોય. તમારા સ્ક્વેર ફીટ પ્રમાણે વળતર આપવું ન જોઈએ, પ્રોડક્ટ પ્રમાણે વળતર આપવું જોઈએ. સરકારે આ બહુ મોટી ભૂલ કરેલી છે. અલકાપુરી વિસ્તારમાં એક વેપારીને 40થી 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તેનો કાપડ સહિતનો તમામ પાણીમાં પલળી ગયો છે. ઉપરાંત એક લાઇબ્રેરીમાં 22 લાખ રૂપિયાનો પુસ્તકો પાણીમાં પલળી ગયા છે. ઇન્સ્યોરન્સ કંપનીવાળા બેઝમેન્ટમાં ઇન્સ્યોરન્સ આપતા નથી. આજે સૌથી વધારે નુકસાન બેઝમેન્ટમાં થયું છે. વડાપ્રધાન મોદી અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમને વિશ્વાસ છે કે, વડાપ્રધાન વડોદરા માટે મોટું પેકેજ જાહેર કરશે.
પૂરથી અસરગ્રસ્ત વેપારી રવિન્દ્ર સતપાલે જણાવ્યું હતું કે, આ વર્ષે પૂરમાં અચાનક જ પાણી આવી જતા અમારી દુકાનનો તમામ સામાન પાણીમાં પલળી ગયો હતો અને 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે જે સહાય જાહેર કરી છે તે ખૂબ જ ઓછી છે. 85 હજાર રૂપિયા કંઈ ના કહેવાય. અમારા 5 લાખના નુકસાન સામે એક ટીમ્પુ પાણી સમાન પણ ન કહેવાય. મારો એવું કહેવું છે કે સરકાર બે થી ત્રણ લાખ રૂપિયા આપે તો પણ થોડી મદદ મળી રહેશે. અત્યારે મને પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. હવે આજે પૈસા લાવીને ફરી ધંધો શરૂ કર્યો છે.
વેપારી સંદીપ ભટ્ટે જણાવ્યું હતું કે, અમારા ફિનિક્સ કોમ્પ્લેક્સમાં હજી પણ પાણી ભરાયેલા છે. મારી દુકાનમાં 7-8 લાખ રૂપિયાનું નુકસાન છે. સરકારી જે સહાયની જાહેરાત કરી છે, તે અમારા સુધી પહોંચે તો અમને મદદ મળી રહેશે. અમારા વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શન થઈ ગયા છે તેને કારણે પાણી બ્લોક થઈ રહ્યું છે અને તેના કારણે અમારા કોમ્પલેક્ષમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે અમારે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અમારા આખા કોમ્પ્લેક્સમાં વેપારીઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
મધ્ય ગુજરાત વેપારી મંડળ અને હાથીખાના ગ્રીન મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ નિમેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, સરકારે જે રાહત આપી છે એ સારી વાત છે પરંતુ, અમારી લાગણી એવી છે કે જે સહાય વિતરણ થાય તેમાં વેપારીઓને સાથે રાખવામાં આવે. આ ઉપરાંત જે વેપારીઓ માટે 85 હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તેમને 5 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવે. જ્યારે મોટા વેપારીઓને 20 લાખ સુધીની વ્યાજ વગરની લોન આપવામાં આવે એવી અમારી માગણી છે.
FMCG વડોદરાના મંત્રી જીગ્નેશભાઈ શાહે જણાવ્યું હતું કે, સરકારે અમારા વેપારીઓ માટે વિચાર્યું, એના માટે અમે વેપારીઓ તેમનો આભાર માનીએ છીએ પરંતુ, જે નાના વેપારીઓને 5 હજાર, 20 હજાર અને 40 હજારની સહાય કરવામાં આવી છે, તેમાં વેપારી એસોસિએશનને સાથે રાખવામાં આવે અને 85 હજારની સહાય જે વેપારીઓને કરવામાં આવનાર છે, તેમને વધારે સહાય કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ ઉપરાંત જે વેપારીઓને લાખની લોન આપવાની વાત છે તેમાં વ્યાજ વગરની લોન આપવામાં આવે તેવી અમારી માંગણી છે અને જે વ્યાપારીઓની લોન ચાલી રહી છે તેમને વ્યાજમાં રાહત આપવામાં આવે તેવી પણ અમારી માંગણી છે.
VCCIના પ્રમુખ હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, ઉદ્યોગો માટે સરકારની કોઈ જાહેરાત થઈ નથી. ચાર દિવસની પૂરની પરિસ્થિતિ બાદ રોડ, રસ્તા અને લાઈટ સહિતનું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરકાર ઝડપથી સરખું કરી આપે. એની હાલ તાતી જરૂરિયાત છે એવી અમારી રજૂઆત છે