રિપોર્ટ@સાબરકાંઠા: શોભાસણથી ટેચાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
ગઇકાલે સવારે અમૃતજી પુંજાજી વાઘેલા, ભાલાભાઈ મણાભાઈ વાઘેલા અને રણજીતજી વાઘેલા મોટરસાઇકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતજી અને ભાલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.
લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સાબરકાંઠા જિલ્લાના પહાડી પોલના રહીશ અજયકુમાર વાઘેલાના પિતા અમૃતજી પુંજાજી વાઘેલા અને તેમના ગ્રામજન ભાલાભાઈ મણાભાઈ વાઘેલા રવિવારે સવારે તમાકુના સેમ્પલ બતાવવા માટે મોટરસાઇકલ GJ-07-DR-8441 લઈને નીકળ્યા હતા. તેમની સાથે રણજીતજી પોપટજી પણ સવાર હતા.

