રિપોર્ટ@સંતરામપુર: મનરેગામાં કરોડોનો સામાન વેચવાનો ઠેકો કયા આધારે વર્ષોથી એકને? જાહેર કરો સત્તાધીશો

સવાલો એટલા ગરમાયા છે કે, ભલભલા આગેવાનો પણ માથું ખંજવાળી રહ્યા છે
 
રિપોર્ટ@સંતરામપુર: મનરેગામાં કરોડોનો સામાન વેચવાનો ઠેકો કયા આધારે વર્ષોથી એકને? જાહેર કરો સત્તાધીશો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


જો તમે આ સમાચાર વાંચી રહ્યા છો તો તમે એકવાર સંતરામપુર તાલુકા પંચાયતમાં સાચાં સવાલ પૂછી આવો. પછી જે અનુભવ થાય તે ડીડીઓ કે નિયામકને જણાવી આખા ગામને જણાવજો એટલે સૌથી મોટી જાગૃતિ આવશે. આ બાબત એટલા માટે કે, આખાય તાલુકામાં એક જ વાત ફેલાઇ ગઇ કે, પારદર્શકતાનો સવાલ અથવા કોઈ જાણકારી મેળવવી સામાન્ય કામ લાગતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી સંતરામપુર તાલુકા પંચાયત દ્વારા મનરેગા માટે કરોડોનો માલ સામાન પૂરો પાડતી એક એજન્સી નક્કી થયેલી છે. આ એજન્સીને કેવી રીતે ઠેકો આપ્યો, તેની અવધિ ક્યારની હતી ? ક્યારે પૂર્ણ થઈ? કેમ અને કયા આધારે લંબાવી? આ સવાલો ખુદ ડીડીપીસીને પણ ખબર નથી. આટલું ઓછું હોય તેમ યોજનાના હેડ અને નિયામકને પણ જાણકારી નથી. આથી સંતરામપુર તાલુકાના સંબંધિત વેપારી આલમમાં એક જ સવાલ છે કે, ગ્રામ વિકાસ એજન્સી જાહેર કરે સમગ્ર વિગતો. વાત આટલી નથી, મટીરીયલ એજન્સીની જે બાબતો શંકાસ્પદ છે તે પણ ખૂબ ચોંકાવનારી છે. સમજીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં....


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા હેઠળ લાખો કરોડોના કામો થાય છે અને તેમાં વર્ષોથી અડીખમ મટીરીયલ એજન્સી પણ કરોડોનો સામાન વેચી બીલ પેટે સરકારી રકમ મેળવી રહી છે. હવે આ મટીરીયલ એજન્સી કોણ છે? ક્યારે આ એજન્સીને ટેન્ડરથી મંજૂરી મળી? કેમ વર્ષોથી એક જ એજન્સી છે અને બદલાતી નથી? આ સવાલો એટલા ગરમાયા છે કે, ભલભલા આગેવાનો પણ માથું ખંજવાળી રહ્યા છે. નિયમોનુંસાર કોઈપણ તાલુકામાં જ્યારે મનરેગા માટે મટીરીયલ એજન્સી નક્કી કરવાની થાય ત્યારે ટીડીઓ સહિતની કમિટી કરતી હોય છે. એજન્સીને એક વર્ષની માન્યતા મળે છે, વેચાણની રકમ સામે સોલવન્સી/ડિપોઝિટ હોય છે, જો વાર્ષિક નિયત રકમથી બીલની રકમ વધી જાય તો તેની મંજૂરી લેવી પડે છે. આ સાથે જે માલ સામાનનું વેચાણ કર્યું હોય તો સામે ખરીદીના બીલો, નિયમોનુસાર જીએસટી પણ લાગૂ પડે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, સંતરામપુર તાલુકામાં કેવી છે પરિસ્થિતિ, વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકામાં વર્ષોથી એક જ એજન્સી કરોડોનો માલ સામાન વેચી રહી છે. આ એજન્સી એક વેપારીની છે જેનો વહીવટ કોઈ જાણીતા અને જાહેર વ્યક્તિઓ કરી રહ્યા છે. હવે સંતરામપુર તાલુકા પંચાયતે કયા વર્ષે ટેન્ડર આપ્યું અને ટેન્ડરનો સમય પૂર્ણ થવા છતાં કયા સંજોગોમાં એજન્સી યથાવત છે ? આનો જવાબ મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાસે પણ નથી અને પાછું ડીડીપીસીને તેની કોઈ ચિંતા પણ નથી. આ શંકાસ્પદ મામલો જ્યારે નિયામક ભગોરા પાસે ગયો તો ચોંકી ગયા અને બોલ્યા કે, કંઈપણ ખોટું થશે તો જવાબદારી સંતરામપુર તાલુકા પંચાયતની રહેશે તેવો લેટર કરી દઈશું. હકીકતમાં આ બાબત કરોડોનાં નાણાંની અને આ નાણાં સરકારના છે એટલે હવે ગંભીર સવાલો પણ આ રહ્યા.


1. સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી અને ટીમે ક્યારે ટેન્ડર કરીને એજન્સી નક્કી કરી?

2. કયા મુખ્ય સમાચાર પત્રોમાં જાહેરાત આપી અને ક્યારે ?

3. કયા સંજોગોમાં અને કયા આધારે, કોની મંજૂરીથી એજન્સીને યથાવત રાખી ?

4. એજન્સીના વાર્ષિક વેચાણમાં થતાં વધારા બાબતે ક્યારે અને કોણે મંજૂરી આપી ?

5. જો ડીડીપીસીના જણાવ્યાં મુજબ ગ્રામ વિકાસ એજન્સીને ખબર નથી તો શું સરકારના નિયમો મુજબ વડી કચેરીને જાણ માટે કાગળો નથી મોકલ્યા ?

6. એજન્સી બાબતે વખતોવખત કરેલા લેખિત હુકમો, મંજૂરીઓ કે પરવાનગીના પત્રો ડીડીપીસીને નથી મળ્યા? 

7. ડીડીપીસી કેમ સદર વિષયમાં સરકારના હિતમાં એજન્સી બાબતના નિર્ણયોના કાગળો નિયામક સમક્ષ નથી મૂકતાં?

8. શું ડીડીપીસીને ખબર ના હોય તો હાથ અધ્ધર કરી શકે ? સરકારના હિતમાં અને પારદર્શક અમલવારી માટે વિગતો ના મેળવી શકે ?