રિપોર્ટ@સંતરામપુર: મનરેગા થકી કરોડોનો સામાન વેચતી એજન્સી વિશે જિલ્લા કચેરી અજાણ, નિયામક પણ ચોંકી ગયા

મટીરીયલ એજન્સીને પણ પુરપાટ ઝડપે દોડવામાં વાંધો નથી
 
રિપોર્ટ@સંતરામપુર: મનરેગા થકી કરોડોનો સામાન વેચતી એજન્સી વિશે જિલ્લા કચેરી અજાણ, નિયામક પણ ચોંકી ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


સંતરામપુર તાલુકામાં મનરેગાના કામોમાં પારદર્શકતા મુદ્દે અનેક પ્રકારની આશંકા વચ્ચે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મનરેગા થકી વર્ષે દહાડે કરોડોનો સામાન વેચી વેપાર કરતી મટીરીયલ એજન્સીના પ્રવેશથી સફર સુધીની વિગતો ખુદ જિલ્લા કચેરીને ખબર નથી. સંતરામપુર તાલુકા પંચાયત હેઠળ મનરેગા માટે કઈ એજન્સી મટીરીયલ પૂરા પાડે છે અને ક્યારથી જોડાયેલી છે તેમજ પ્રથમ ટેન્ડર બાદ કેટલા સમય યથાવત રહી કે કેમ અને કેવી રીતે? આ તમામ સવાલો સરકારની પારદર્શકતા માટે ખૂબ અગત્યના છતાં ડીઆરડીએ અજાણ રહી છે. તાલુકા પંચાયતના ટીડીઓ કે એપીઓ મટીરીયલ એજન્સીનુ ભવિષ્ય નક્કી કરે છે પરંતુ શું જાણ સારું ડીઆરડીએને પત્ર મારફતે નથી જણાવતાં? કરોડોની ગ્રાન્ટના વિષય સંબંધિત ટેન્ડરની સરકારી પ્રક્રિયા ભલે નીચેની કચેરી કરે પરંતુ શું વડી કચેરીને જાણ ના કરે ? જો જાણ કરી હોય તો નાયબ જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કેમ અજાણ છે. સમગ્ર વિષય જ્યારે નવા આવેલા નિયામકને ધ્યાને આવતાં ચોંકી ગયા અને મોટી વાત કહી દીધી છે. જાણીએ એજન્સીની તાકાત અને તાલુકા પંચાયતના સત્તાધીશોની સત્તા વિશે આ સ્પેશિયલ રિપોર્ટમાં...


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગાના કામો પુરપાટ ઝડપે ચાલે છે, તો મટીરીયલ એજન્સીને પણ પુરપાટ ઝડપે દોડવામાં વાંધો નથી. જોકે મનરેગા થકી લાખો કરોડોનો માલસામાન આપી સરકારી ગ્રાન્ટ લેતી મટીરીયલ એજન્સી વિશે જાણવું નાની સુની વાત નથી. ખુદ સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ પણ મટીરીયલ એજન્સીના ટેન્ડરની વિગતોથી અજાણ છે. હકીકતમાં કોઈપણ તાલુકામાં મનરેગા માટે મટીરીયલ પૂરૂં પાડતી મટીરીયલ એજન્સી નક્કી કરવા ટેન્ડર થાય છે અને સરેરાશ એક વર્ષ સુધી માન્ય રહે છે. અનિવાર્ય સંજોગોમાં એક વર્ષ બાદ કેટલાક મહિના લંબાવી પણ શકાય છે. હવે સંતરામપુર તાલુકામાં પાછલાં કેટલાંક વર્ષોથી કઈ એજન્સી કાર્યરત છે અથવા કેટલી એજન્સી આવીને ગઈ એ વિશે ખૂબ ઓછાં લોકો જાણકાર છે. આટલું જ નહિ હાલમાં કઈ એજન્સી કાર્યરત છે અને કેટલા સમયથી ટેન્ડર બાદ કાર્યરત છે? ટેન્ડર અવધિ બાદ પણ કાર્યરત છે અને છે તો કેમ, કેવી રીતે? આ તમામ સવાલોના જવાબ ખુદ મહીસાગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અજાણ છે. ડીડીપીસી રાવલે જણાવ્યું કે, સંતરામપુર તાલુકા પંચાયતને ખબર હશે અમારી પાસે માહિતી નથી. હજું નીચેના ફકરામાં વાંચો ગંભીર અને ચોંકાવનારી વિગતો.


સૂત્રોએ જણાવ્યું હતું કે, લાખો કરોડોનો માલ સામાન મનરેગા થકી વેચવા કોને માન્યતા આપવી તે સંતરામપુર તાલુકા ટીડીઓ અને ટીમ નક્કી કરતી હોય છે. જોકે આ કામગીરી મૌખિક નહિ પરંતુ ધોરણસર અને લેખિતમાં હોય છે તો પછી સવાલ એ ઉભો થાય કે, મટીરીયલ એજન્સી વિશેના નિર્ણયોની જાણકારી ડીઆરડીએ સુધી કેમ પહોંચી નથી અથવા પહોંચતી નથી કે પછી પહોંચાડી નથી ? આ વિશે જ્યારે નિયામક ભગોરાને જણાવતાં ખબર પડી કે, ખુદ નિયામક કચેરી પાસે માહિતી નથી. ભગોરાએ જણાવ્યું કે, ડીડીપીસીને પૂછ્યું કે, આવી માહિતી ક્યારેય મંગાવી નથી પરંતુ નિયામકે કહ્યું કે, તાલુકા પંચાયતે જાણ સારું નકલ મોકલવી જોઈએ. જો આ મટીરીયલ એજન્સીના મામલે કોઈ પ્રશ્ન થશે તો જવાબદારી એ લોકોની રહેશે તેવું નિયામકે જણાવતાં મામલો વધુ ચોંકાવનારો બન્યો છે.