રિપોર્ટ@સુરત: ભાઈની નજર સામે બહેનની મોતની છલાંગ, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરના વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતા પણ બે દિવસથી ઘર છોડીને જતાં રહેતા આઘાતમાં પુત્રીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણીએ લખ્યું હતું કે, હું તાપી નદીમાં ઠેકડો મારું છું. મોટાભાઈએ પીછો કર્યો પરંતુ તે બહેનને બચાવી શક્યો નહિ અને તેની નજર સામે જ બહેને તાપીમાં કૂદી મોતને વહાલુ કર્યું.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના વતની અને હાલ વરાછા સ્થિત એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં શૈલેષભાઈ મનાણી રહે છે અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર ધ્રિવીન અને એક પુત્રી દ્રષ્ટિ છે. તેમની પત્ની તેમને છોડીને ચાલી ગઈ છે. દ્રષ્ટિ અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી.
દ્રષ્ટિએ 15 ડિસેમ્બરને સોમવારના બપોરેના સમયે દરમિયાન ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં માછીમારોએ દ્રષ્ટિને બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે વરાછા પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

