રિપોર્ટ@સુરત: 2 કોર્પોરેટરોએ 'પે એન્ડ પાર્ક'નો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી, 10 લાખની લાંચ માગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લાંચના કેસ ખુબજ વધી ગયા છે. કર્મચારીઓ કોઇપણ કામ કરાવવા માટે લાંચ માગી રહ્યા છે. ઇમાનદાર પાર્ટીનું ટેગ લઇને ફરતી આમ આદમી પાર્ટીની જાણે કે માઠી દશા બેઠી હોય તેમ લાગે છે. AAPના સંસ્થાપક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જેલમાં છે ત્યારે ગુજરાતમાં સત્તામાં આવવાના સપનાં જોતી આમ આદમી પાર્ટીને પણ ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો છે. જે સુરતમાંથી ગુજરાતમાં આપનો સૂર્યોદય થયો હવે ત્યાં જ ગ્રહણ પણ લાગ્યું છે. AAPના 2 કોર્પોરેટરો સામે 'પે એન્ડ પાર્ક'નો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 10 લાખની લાંચ માગવા મામલે એસીબીમાં ગુનો નોંધાયો છે. જેમાંથી વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જિતુ કાછડિયા ફરાર થઈ ગયો છે.
સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 53ના ફાઇનલ પ્લોટ નં. 88માં મલ્ટીલેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રેક્ટ ફરિયાદી કોન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો છે. આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના પુણા વોર્ડ ન. 16 અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જિતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલ વસરામભાઈ સુહાગિયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રેક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે કોન્ટ્રેક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવ્યું અને ત્યાર બાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રેક્ટ રદ કરાવવાથી બચવું હોય તો 11 લાખ આપવા પડશે તેવી માગણી કરી હતી.
આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રેક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માગણી અંગેની વાત કરી અને લંબાણપૂર્વકની રકઝક બાદ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રેક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ કોડવર્ડ રાખ્યો હતો. જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ અંગે પે એન્ડ પાર્કના કોન્ટ્રેક્ટર પોતે આ લાંચ આપવા માગતા ન હતા, જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની CD સાથે ACBમાં અરજી કરી હતી. જેના આધારે ACB દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં FSLમાંથી સૌપ્રથમ અરજદાર કોન્ટ્રેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલી CDનું ‘નો-ટેમ્પરિંગ' પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. આ અંગે CDમાં રેકોર્ડ થયેલા સંવાદોનું અવલોકન કરતાં બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરી હોવાની હકીકતની પુષ્ટિ થઈ હતી.
આ અંગે કાયદાકીય જોગવાઇઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું FSL ખાતે ‘વોઇસ સ્પેક્ટોગ્રાફી' પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં રજૂ કરાયેલી CDમાં ફરિયાદી કોન્ટ્રેક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું FSL દ્વારા પ્રસ્થાપિત થયું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું છે. જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રેક્ટર પાસે કરવામાં આવેલી 10 લાખની લાંચની માગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયું હતું.
આ સમગ્ર મામલે સુરત એન્ટીકરપ્શન બ્યૂરોના ACP આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલા પુરાવાઓના આધારે આ બંને કોર્પોરેટર જિતુ ઉર્ફે જિતેન્દ્ર પાંછાભાઇ કાછડિયા અને વિપુલ વશરામભાઇ સુહાગિયા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતાં આ અંગે સુરત શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે સરકાર તરફી ફરિયાદી બની 10 લાખની લાંચની માગણી અંગેનો ગુનો નોંધ્યો છે. બે આરોપીમાંથી વિપુલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જિતુ ફરાર છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
સુરતમાં આ પહેલા પણ લાંચ કેસમાં 7 કોર્પોરેટર પકડાઈ ચૂક્યા છે. જેમાં કોંગ્રેસના 3 અને ભાજપના 4 કોર્પોરેટરનો સમાવેશ થાય છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં છ વર્ષ પહેલા એક બિલ્ડર પાસેથી ગેરકાયદે બાંધકામ મામલે રૂ. 75 હજારની લાંચ માગવાના અને તેમાંથી રૂ. 20 હજાર પ્રથમ તબક્કાનો હપ્તો સ્વીકારી લીધા બાદ બાકીના રૂ. 55 હજાર લેવા જતાં ભાજપ કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઇ પ્રિન્સ અને પિતા મોહન સુમરાની ધરપકડ કર્યા બાદ ACBની ટીમે વોર્ડ નં. 11નાં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરી હતી.
થોડા વર્ષો પૂર્વે ભાજપના કોર્પોરેટર વીણા જોશી રૂ. 50 હજારની લાંચ લેતા પકડાયા હતા. થોડા મહિના જેલવાસ ભોગવી તે જેલમુક્ત થયાં. ત્યારબાદ કોર્પોરેટર મીના રાઠોડ રૂ. 5 લાખની લાંચ સ્વીકારવાના ગુનામાં પકડાયા હતા. જે પાંચ મહિના જેલવાસ ભોગવ્યા બાદ મુક્ત થયા હતા.
ગેરકાયદેસર બાંધકામના મુદ્દે ફરિયાદી ગુલામ મુસ્તુફા કાલુ શાને દબડાવીને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપીલાબેન પટેલ, તેના પતિ પલ્કેશ પટેલ તથા વચેટીયા હિતેશ પટેલે રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. જેની પતાવટ બાદ રૂ. 50 હજારની ગેરકાયદે લાંચની માંગણી કરતાં ફરિયાદીએ આરોપી મહિલા કોર્પોરેટર તથા અન્ય આરોપીઓ વિરુધ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી.
ચાર વર્ષ પહેલાં ભેસ્તાનના કોંગ્રેસી કોર્પોરેટર સતીષ પટેલ વિરુદ્ધ 15 હજાર રૂપિયાની લાંચ માંગવાનો ગુનો નોંધાયો હતો. કોર્પોરેટર લાંચ માંગતા ઝડપાયા બાદ આ ગુનો નોંધાયો હતો.
6 ફેબ્રુઆરી 2019એ ભાજપના કોર્પોરેટર અને ડ્રેનજ સમિતિના વાઇસ ચેરમેન જયંતીલાલ ડાહ્યા ભંડેરી વિરુદ્ધ પણ લાંચ માંગવાનો કેસ નોંધાઇ ચૂક્યો છે.
પાલિકાના વોર્ડ નં 18 આંજણા-ખટોદરા વિસ્તારના લીનાબેન સોનવણે (કોંગ્રેસ)ના કોર્પોરેટર છે. આ વિસ્તારમાં ચાલતા એક મકાનના બાંધકામ તોડી નહીં પાડવા અને હેરાનગતિ નહીં કરવા કૃણાલ સોનવણેએ ફરિયાદી પાસેથી રૂપિયા 15000 માગ્યા હતા. કોર્પોરેટર માતા લીનાબેનના હોદ્દાની બીક બતાવી કુણાલ ફરિયાદીને ધમકાવતો હતો. કુણાલે પોતાના મળતિયા ભટ્ટુભાઇ પાટીલને રૂપિયા લેવા મોકલ્યો હતો. એસીબીએ તેની ધરપકડ કરી હતી.