રિપોર્ટ@સુરત: 3 વર્ષની બાળકીને બાઇક ચાલકે અડફેટે લીધી, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગઇકાલે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘરની બહાર રમી રહેલી 3 વર્ષની માસૂમ બાળકીને બેફામ રીતે આવી રહેલા એક બાઈકચાલકે બાઈક ચડાવી દેતા તે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જનારે બાઈક પર જરૂર કરતાં વધુ પાંચ જેટલા કાપડના પાર્સલ ભરેલા હોવાને કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે ન પડી હતી. જેના લીધે અકસ્માત સર્જાયો હતો. જે બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીની શેરી નંબર ત્રણમાં ઘરની બહાર એક ત્રણ વર્ષની દીકરી રમી રહી હતી. તે દરમિયાન એક બાઈક પર બે વ્યક્તિ સવાર આવ્યા હતા અને તેમની પાસે કુલ પાંચ મોટા કાપડના પાર્સલ હતા. બાઈકચાલકે સ્ટીયરિંગ પર જ બે મોટા પાર્સલ મૂકેલા હતા, જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ત્રણ પાર્સલ પકડ્યા હતા. સ્ટીયરિંગ પર મૂકેલા આ પાર્સલોના કારણે બાઈકચાલકનો રસ્તો જોવા માટેનો વ્યુ બ્લોક થઈ ગયો હતો. પરિણામે, જ્યારે બાઈક સોસાયટીની અંદર આવી ત્યારે તેને રસ્તા પર રમી રહેલી ત્રણ વર્ષની નાની બાળકી દેખાઈ નહોતી અને તેને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી નીચે પટકાઈ હતી.
બાળકીના પિતા, રત્નકલાકાર ચિરાગ દિયોરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ બાઈકચાલકે બાળકીને ઊંચકવાની પણ તસ્દી લીધી નહોતી અને તે તુરંત ભાગી ગયો હતો. દીકરીની મા ગર્ભવતી હોવાથી દોડી શકે તેમ ન હતી જેથી બાળકીને તેની દાદીએ ઊંચકી લીધી હતી. હાલમાં બાળકીને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.
આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું સીધું પરિણામ છે. મંગલદીપ સોસાયટી મૂળભૂત રીતે રહેણાંક સોસાયટી છે, તેમ છતાં અહીં છેલ્લા ઘણા સમયથી 8થી 10 જેટલા ઇન્ડસ્ટ્રિયલ ખાતા ચાલી રહ્યા છે. અકસ્માત કરનાર બાઈકચાલક પણ આવા જ એક ઇન્ડસ્ટ્રિયલ ખાતામાંથી કાપડના પાર્સલ લઈને જઈ રહ્યો હતો. આ પાર્સલો જ અકસ્માતનું મુખ્ય કારણ બન્યા હતા. અકસ્માત સ્થળની નજીક જ ત્રણ મકાનો જોડીને એક ઇન્ડસ્ટ્રિયલ ખાતું આવેલું છે.
આ ગંભીર ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકો છેલ્લા એક વર્ષથી આ રેસિડેન્શિયલ સોસાયટીમાંથી ઇન્ડસ્ટ્રિયલ ખાતાઓને દૂર કરવાની સતત માગ કરી રહ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા કે સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. ઘટના બન્યા બાદ તાત્કાલિક સોસાયટીના પ્રમુખ અરવિંદ કાનાણી દ્વારા તાબડતોબ મીટિંગ બોલાવવામાં આવી હતી. અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ન જ થવી જોઈએ. આ અંગે અનેકવાર ફરિયાદ પણ કરવામાં આવી છે. મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇન્ડસ્ટ્રિયલ ખાતાવાળાઓને તાત્કાલિક ખાલી કરવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
પ્રમુખે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, 'આજે આ ઘટના બની છે, કાલે બીજી કોઈ ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. જો દોઢ મહિનાની સમયમર્યાદામાં આ ખાતા ખાલી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ઇન્ડસ્ટ્રિયલ ખાતાના માલિકોની રહેશે'. સ્થાનિકોની એક જ માગ છે કે, સુરત મહાનગરપાલિકા હવે જાગે અને રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ ખાતાઓને સીલ કરીને સોસાયટીમાંથી દૂર કરાવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય. બાળકીને ટક્કર માર્યા બાદ ફરાર થયેલા બાઈકચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે.

