રિપોર્ટ@સુરત: 3 વર્ષની બાળકીની છેડતીની આશંકામાં પિતાએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

પોલીસે હત્યારાને ઝડપ્યો

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે.  સુરતના નાનપુરા વિસ્તારમાં મક્કાઇપુલ નજીક હત્યાની ઘટના બની હતી જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. મિત્રની 3 વર્ષની બાળકીને મૃતક રમાડતો હતો, તે દરમિયાન બાળકીના પિતાને લાગ્યું કે તેમનો મિત્ર બાળકી સાથે છેડતી કરે છે. તેણે તુરંત જ બાજુમાં પડેલ લાકડાનો ફટકો મિત્રને માથામાં મારી દેતા મિત્રનું મોત થયું હતું. જોકે, પોલીસે હત્યારાને ઝડપી પડ્યો હતો.


અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જલાલપોર ખાતે 28 વર્ષીય રવિદાન જબરદાન બાટી રહેતો હતો. 7 વર્ષ પહેલા રવિદાન અને તેની પત્ની જીગીશા સાથે રહેતા હતા પરંતુ, મનમેળ નહીં થવાને લીધે મરનાર રવિદાન અને તેની પત્ની જિગીષા વર્ષ 2018થી જુદા રહેતા હતા. રવિદાન જલાપોરમાં રહેતો હતો. જયારે તેની પત્ની અને બાળકો સુરતના ડક્કા ઓવારા ખાતે રહેતી હતી. રવિદાન ક્યારેક ક્યારેક સુરતમાં તેના બાળકોને મળવા આવતો હતો. ગત 24 એપ્રિલે પણ પોતાના બાળકોને મળવા આવેલો હતો અને રાત્રે મકાઈપૂલ ખાતે આવેલ દોટીવાળા બેકરી પાસે બેઠેલો હતો.


અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રમેશ ચૌધરીની ત્રણ વર્ષની બાળકીને રવિદાન બાટી રમાડતો હતો. તે દરમિયાન રમેશને દૂરથી જોતા એવું લાગ્યું કે, રવિદાન તેમની બાળકી સાથે અડપલા કરી રહ્યો છે. જેથી, રમેશ રવિદાન પાસે આવીને જીભાજોડી કરવા માંડ્યો હતો. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા રમેશે રવિ માથાના તેમજ ચહેરાના ભાગે લાકડાના ફટકાથી માર્યો હતો, જેના કારણે રવિદાન બાટીનું મોત થયું હતું. હત્યા બાદ રમેશ કાળુ ચૌધરી નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને રમેશ કાળુ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.