રિપોર્ટ@સુરત: AAP મહિલા ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત મહાનગપાલિકાની ચૂંટણી પૂર્વે જ સુરતનું રાજકારણ ગંદુ બનતું જઈ રહ્યું છે. વોર્ડ નં. 11ના AAPના મહિલા ઉમેદવાર ડોનિકા પટેલે એક વીડિયો જાહેર કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. મોનિકા પટેલે રડતા રડતા જણાવ્યું હતું કે, તેમને અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપી પ્રચાર ન કરવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે.
ડોનિકા પટેલે રડતા રડતા આક્ષેપ કર્યો છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી મને ભારતીય જનતા પાર્ટીના લોકો ફોન કરે છે, અડાજણ ભાજપના કાર્યકરો મને ફોન પર ધમકીઓ આપે છે. મારી મમ્મીને ફોન કરે છે, તેઓ મારી મમ્મીને ધમકાવે છે કે તમારી છોકરીને કહો પ્રચારમાં બહાર નહીં નીકળે. મને ફોન કરીને તેઓ જણાવે છે કે તું પ્રચારમાં બહાર નહીં નીકળતી, નહીં તો તને ઉચકી લેશું, તારા AI વીડિયો બનાવીને અમે વાયરલ કરીશું, તારા બધા જ ફોટો-વીડિયો મારી પાસે છે.
તેને વધુમાં કહ્યું કે, જ્યારે મારા ભાઈને અધવચ્ચે રસ્તામાં કાલે રાત્રે ઊભા રાખ્યા હતા, જ્યારે એ લોકો બોર્ડ-બેનર અને ઝંડાઓ લગાવતા હતા અને આ રીતનો માનસિક ત્રાસ મને છેલ્લા બે-ત્રણ દિવસથી આપવામાં આવે છે અને ક્લિયર ધમકી આપવામાં આવે છે કે આ વખતે અડાજણમાં તારે પ્રચાર કરવા માટે નીકળવાનું નથી નહીં તો તને ઘરેથી ઉચકી લેશું. તને અને તારા પરિવારજનોને પણ એટલું જ હેરાન કરશું. મને આવી રીતે ધમકીઓ આપવામાં આવી છે.
ડોનિકાએ કહ્યું કે, એક તરફ મંચ પર મહિલા સશક્તિકરણની વાતો થાય છે અને બીજી વાર મહિલાઓ સાથેનું આવું વર્તન થાય છે. બે જ દિવસ પહેલાની વાત છે, અડાજણ ગોરાટમાં હનુમાન મંદિર પાસે ભાજપના કાર્યકર્તાઓએ જે સ્ત્રીઓ સાથેનું વર્તન કર્યું છે તે તો તમારી આંખની સામે જ છે અને આવી રીતે હવે ઉમેદવારો સાથે પણ, મહિલા ઉમેદવાર સાથે પણ આ લોકો આ રીતનું વર્તન કરીને ડરાવે છે અને ધમકાવે છે. પણ હું ડરવાની નથી, હું આટલી જ હિંમતે તેમને ફાઈટ આપીશ.
ડોનિકાએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો લુખ્ખાઓ છે, ગુંડાઓ છે, ગુંડાઓની પાર્ટી છે. જે લોકો મહિલાઓની કોઈ ઈજ્જત નથી કરતા, કોઈ સન્માન કરતા નથી. એનાથી પણ વધારે ગુનેગાર ભાજપની મહિલાઓ છે જે આ રીતનું કૃત્ય એક મહિલા સાથે થાય છે તે જોયા કરે છે. મેં મારી આંખે જોયું છે, ભાજપની મહિલાઓએ જે ગોરાટમાં બીજી મહિલાઓ સાથે જે વર્તન અને ગાળાગાળી કરી છે, હું પણ ત્યાં સ્થળ પર ઉપસ્થિત હતી. અમને પણ ધક્કા મારવામાં આવ્યા છે અને ગાળો બોલવામાં આવી છે અને એવું કીધું છે કે હજુ અમે રાજમાં નથી આવ્યા, અમે આવશું તો તમને કપડા કાઢીને દોડાવશું. આવા શબ્દો બોલવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફથી.
ડોનિકા પટેલે કહ્યું કે, મારું અડાજણની મહિલાઓને અને અડાજણના લોકોને એટલું જ કહેવું છે કે આ લોકોને હવે હાંકી કાઢો, આ લોકોની જરૂર નથી. આ લોકોના રાજમાં આવા દિવસો જોવા મળે છે કે દિન-દહાડે લોકોની ગલીઓમાં ઘૂસીને લોકોની છોકરીઓને ફોન કરીને ગંદા ગંદા મેસેજ, ગાળ અને ફોટો-વીડીયો બનાવવાની ધમકી આપે છે. આવા લોકો છે, આવા લોકોને તમે વોટ આપો છો? ગુંડાઓને વોટ આપો છો? ગુંડાઓનું રાજ છે આ, ખાલી ગુંડાઓનું રાજ.
તેને વધુમા કહ્યું કે, મહિલા સશક્તિકરણના નામે મહિલાઓ સાથે આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે. શું તમે આ જ લોકોને ફરી વોટ આપશો? ફરી જીતાડશો? આનાથી પણ ખરાબ હાલત થવાની છે. મારી જગ્યાએ કોઈ બીજી બહેન-દીકરી આવશે અને એમની સાથે પણ આ લોકો આ જ રીતનું વર્તન કરશે અને આ જ રીતે ડરાવશે અને ધમકાવશે. પણ હું ડરવાની નથી, મારી સાથે અડાજણની બહેનો છે, સુરતની બહેનો છે. અમે લોકો આ પાર્ટી સામે, બળાત્કારીઓની પાર્ટી છે, લુખ્ખાઓની પાર્ટી છે, ગુંડાઓની પાર્ટી સામે ઊભા રહેશું અને જીતશું પણ.
આ મામલે ડોનિકા પટેલ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ધમકીઓથી ભયના માહોલમાં આવી જતા આ વીડિયો બનાવ્યો હતો અને રડવું પણ આવી ગયું હતું. ત્યારબાદ પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ સાંત્વના આપી હતી. હાલ તો અમે ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ પણ ચૂંટણી પત્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

