રિપોર્ટ@સુરત: 16 જેટલા બોગસ ડોક્ટરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બોગસ ડોક્ટર ઝડપાતા હોય છે. ફરી એકવાર 16 જેટલા બોગસ ડોક્ટરોને પકડવામાં આવ્યા છે. સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે.
એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે, આ તમામ ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની મેડિકલ કે ડૉક્ટરની ડિગ્રી નથી.
તેઓ માત્ર ધોરણ-10 અથવા 12 સુધી જ ભણ્યા છે. આ સમગ્ર મામલે SOGના પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, એમની પાસે કોઈ ડીગ્રી નથી અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા. આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે. તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે.