રિપોર્ટ@સુરતઃ બાઇક ગોઠવી રેતી પર 'રામ' નામ લખ્યું, જયશ્રી રામના નારા લગાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ છે. જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે. જેથી સુરતમાં પણ ઠેર-ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે સુરતના યુવા બાઈકર્સે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો. સુરત બાઈકિંગ કમ્યૂનિટીના 70 થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઈક્સ દ્વારા રેતી પર 'રામ' નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી.
વહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદભૂત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી પર વિશાળ અક્ષરોમાં 'રામ' લખવા માટે બાઈક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે, બાઈકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગતું હતું.
આ આયોજન અંગે વાત કરતા સુરત બાઈકિંગ કમ્યૂનિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસને ઉત્સાહભેર ઉજવે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા. જે આજના યુવાનોને આકર્ષે અને સાથે-સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે.
રામનવમીની રજા હોવાથી ડભારી બીચ પર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઈક્સ ગોઠવીને 'રામ' નામ રચી રહ્યા છે, ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ બાઈકર્સની આ રામભક્તિની તસવીરો અને વીડિયો અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.

