રિપોર્ટ@ગુજરાત: 23 હજાર ફૂટ ઊંચાઈએ ફસાયેલા પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા બાદ શોકજનક સમાચાર સામે આવ્યા છે. ભારે હિમવર્ષા બાદ સંપર્ક વિહોણા બનેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશીના મૃતદેહ આજરોજ શોધખોળ દરમિયાન મળી આવ્યા છે. આ ઘટનાથી કડોદ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
કડોદ ગામના રહેવાસી જીગ્નેશભાઈ અને તેમની ધોરણ-11માં અભ્યાસ કરતી પુત્રી પ્રિયાંશીને દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગ કરવાનો ભારે શોખ હતો. આ શોખને સંતોષવા માટે બંને પિતા-પુત્રીએ નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા-3 તરફના ટ્રેકિંગનું આયોજન કર્યું હતું.
પિતા-પુત્રી ગત 14 ઓક્ટોબરના રોજ નેપાળ જવા રવાના થયા હતા અને 21 ઓક્ટોબરના રોજ તેમને પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેઓનો 31 ઓક્ટોબર સુધીમાં પરત ફરવાનો નિર્ધારિત કાર્યક્રમ હતો.
જીગ્નેશભાઈની પત્ની જાગૃતિ બહેને છેલ્લે 21 ઓક્ટોબર, 2025ના રોજ ફોન પર વાત કરી હતી. ત્યારે જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે હિમવર્ષા થવાના કારણે અન્નપૂર્ણા-3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે. ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.
સતત બે દિવસ સંપર્ક ન થતાં જાગૃતિબેને તેમણે રોકાણ કરેલી હોટલનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેઓ પરત ન ફર્યા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને માંડવી ખાતે સાંસદ પ્રભુ વસાવાની ઓફિસ મારફતે વિદેશ મંત્રાલય અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જાગૃતિબેને ચિંતા વ્યક્ત કરી હતી કે, તેમના પતિ અને પુત્રી 23 હજાર ફૂટની ઊંચાઈ પર ફસાયા હોવાનો અંદાજ છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ ટ્રેક પર જવા માટે કોઈ વિશેષ ટ્રેનિંગ લીધી નહોતી.
ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં તેમણે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે સંદેશો મોકલ્યો હતો. ભારતીય એમ્બેસી નેપાળ પોલીસ અને પરિવાર સાથે સતત સંપર્કમાં હતી.
કમનસીબે, આજે કરવામાં આવેલી સઘન શોધખોળ દરમિયાન, ભારે હિમવર્ષામાં લાપતા થયેલા બંને પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. ભારે હિમવર્ષાને કારણે બંને સંપર્ક વિહોણા થયા હતા અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિનો ભોગ બન્યા હતા.
જાગૃતિબેનની આ ભાવનાત્મક વિનંતી: "ભારત સરકાર પાસે મારી એટલી અપેક્ષા અને વિનંતી છે કે મારી દીકરી અને મારા પતિને ઝડપથી શોધી ઘરે લઈ આવો," દુઃખદ રીતે અધૂરી રહી છે. નેપાળ તંત્ર દ્વારા બંનેના મૃતદેહને પરત લાવવાની અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાએ કડોદ ગામને સ્તબ્ધ કરી દીધું છે.

