રિપોર્ટ@સુરત: ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 5 વર્ષથી ચાલતા રેકેટમાં ગવીયર-ડુમસના 15 શખસો સામે ગુનો દાખલ, જાણો વધુ વિગતે

પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ મળી કુલ 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો.
 
રિપોર્ટ@સુરત: ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 5 વર્ષથી ચાલતા રેકેટમાં ગવીયર-ડુમસના 15 શખસો સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાં  તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ મળી કુલ 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે 48 કલાક બાદ ગવીયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

SOGના હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાતે આલિયા બેટ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. બેટ પર તપાસ કરતા ઝાડી-ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લિટર શંકાસ્પદ ડીઝલ હતું. ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીઓમાંથી વધુ 10,400 લિટર ડીઝલ મળી આવ્યું હતું.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આરોપીઓ છેલ્લા 5 વર્ષથી સુરતના દરિયાઈ વિસ્તારમાં આવતી દેશ-વિદેશની સ્ટીમરોના ચાલકો સાથે સંપર્ક કરી, માલિકની જાણ બહાર ચોરી કરતા અથવા ધાક-ધમકી આપી ડીઝલ કઢાવી લેતા હતા.ચોરીનું ડીઝલ હોડીઓ દ્વારા આલિયા બેટ પર લાવી સંગ્રહ કરવામાં આવતું. રાત્રિના અંધકારનો લાભ લઈ આ જથ્થો વિવિધ કંપનીઓ કે ડેપોમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવતો હતો.

આ ટોળકીના સભ્યો માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત કરતું નહોતું. હજીરા પોલીસમાં 15 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે ગવીયરના રાજેશ મોહન પટેલ, તેજશ લાલજી પટેલ, ડુમસના જેમીશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય, ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7-8 અજાણ્યા શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.