રિપોર્ટ@સુરત: ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ, પોલીસે 75 ડ્રમ કબજે કર્યા, 10 લાખની કિંમતનું ચોરીનું ડીઝલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી એસ.ઓ.જી. પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ.ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે.
પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે.

