રિપોર્ટ@સુરતઃ વૃદ્ધે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી, કયા કારણે આવું પગલું ભર્યું?

સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાંથી હદય કંપાવી ઊઠે એવી આત્મહત્યાની ઘટના સામે આવી છે. વેડરોડ વિસ્તારમાં રહેતા એક 70 વર્ષીય વૃદ્ધે પોતાની જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીના અવસાન બાદ એકલતા અને વિરહથી પીડાતા વૃદ્ધે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. સવારે સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના વેડરોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા શંકરભાઈ બાબુભાઈ બારાપાત્રે નિવૃત્ત જીવન ગાળતા હતાં. રાત્રે આશરે 9:00 વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતાં. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, શંકરભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ અને બે પુત્રો છે. થોડા સમય પૂર્વે જ તેમના ધર્મપત્નીનું અવસાન થયું હતું. જીવનભરનો સાથ છૂટી જતાં શંકરભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને સતત હતાશામાં રહેતા હતાં. પત્નીના વિરહને તેઓ સહન ન કરી શકતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સવારે તાપી નદીના કોઝવે પાસે એક વૃદ્ધનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ચોકબજાર પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની પાસેથી તેમનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે તેમની ઓળખ શંકરભાઈ બારાપાત્રે તરીકે થઈ હતી. પોલીસે તાત્કાલિક તેમના પરિવારજનોનો સંપર્ક કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.

ચોકબજાર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પત્નીના વિરહમાં વૃદ્ધે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે, તેમ છતાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.