રિપોર્ટ@સુરત: કારખાનાની અંદર રહેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 2 વ્યક્તિના કમકમાટીભર્યા મોત, 11 લોકો ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી હદય કંપાવી ઊઠે ઘટના સામે આવી છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે 19 માર્ચની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આજે સવારે અંદાજે 05:30 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કાપોદ્રા રચના સર્કલથી આગળ, ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર, ઘટનામાં 13 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બેના મોત થયા છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રહેલા LPG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 8 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બાકીના 6 સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યા છે.

