રિપોર્ટ@સુરત: સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરીનો ક્રેઝ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સવાર પડતા જ સોના-ચાંદીના ભાવ નવી ટોંચે પહોચી રહ્યા છે. સોના-ચાંદીની સાથે હવે અન્ય ધાતુના ભાવ પણ સળગવા લાગ્યા છે ત્યારે લોકોને તેમાં પણ રોકાણનો રસ પડ્યો છે.
સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા તેની સૌથી મોટી અસર જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો, અહીં લોકો ઓછા કેરેટના દાગીના માગતા થયા છે. જેના કારણે જ્વેલર્સ ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરી બનાવવા લાગ્યા છે. જે દેખાવમાં અસલ સોના જેવી લાગે છે અને ભાવમાં સસ્તી પડી રહી છે. અત્યાર સુધી લોકો કોપરની બોટલ, પાણીની ટાંકી કે વાસણો લેતા હતા. પરંતુ, હવે કોપરમાં રોકાણની તક દેખાતા બારમાં ખરીદી થવા લાગી છે. સુરતમાં જ દરરોજનું હજારો કિલો કોપર વેચાઈ રહી છે.
હાલમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે દાગીના ખરીદવા મુશ્કેલ બન્યા છે. આ પરિસ્થિતિમાં સુરતના જ્વેલરી માર્કેટમાં કોપરની જ્વેલરીની માંગમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને કોપર પર ગોલ્ડ પ્લેટિંગ કરેલા દાગીના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે તે દેખાવમાં અદ્દલ સોના જેવા લાગે છે અને તેની કિંમત પણ ઘણી ઓછી હોય છે. લગ્નસરાની સીઝનમાં હવે લોકો મોંઘા સોનાને બદલે બજેટમાં રહેતા કોપરના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે.
સુરત હંમેશા નવીનતા માટે જાણીતું છે, હવે અહીંના લોકોએ તાંબાને રોકાણના એક મજબૂત વિકલ્પ તરીકે અપનાવ્યું છે.જે મધ્યમ વર્ગના લોકો સોનું કે ચાંદી ખરીદવામાં અસમર્થ છે તેઓ હવે ભવિષ્યના રોકાણ માટે તાંબાના બિસ્કિટ અને લગડી ખરીદવા તરફ વળ્યા છે. રોકાણકારો હવે પ્લેટિનમ અને કોપરને સુરક્ષિત એસેટ તરીકે જોઈ રહ્યા છે.
સોના અને ચાંદીની સરખામણીએ તાંબું વજનમાં ઘણું ભારે અને કદમાં મોટું હોય છે.જેના કારણે તેની ભૌતિક જાળવણી એક પડકાર સમાન છે. જ્યારે ગ્રાહકો મોટી માત્રામાં તાંબાના બાર કે લગડીઓ ખરીદે છે. ત્યારે તેને ઘરે લઈ જઈને સુરક્ષિત રાખવાને બદલે જ્વેલર્સ પાસે જ સ્ટોર કરાવવાનું પસંદ કરે છે. આ પદ્ધતિથી ગ્રાહકોને સ્ટોરેજની ચિંતા રહેતી નથી અને જ્યારે ભાવ વધે ત્યારે તેઓ સરળતાથી તેનો નિકાલ કરી શકે છે. તાંબાની આ ઊંચી માંગે જ્વેલરી ઉદ્યોગમાં સંગ્રહ કરવાની નવી વ્યવસ્થા ઉભી કરી છે.
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થવાને કારણે હવે લોકોનો ઝુકાવ કોપર તરફ નોંધપાત્ર રીતે વધ્યો છે. સુરતના જ્વેલરી માર્કેટના જણાવ્યા અનુસાર, મધ્યમ વર્ગના ગ્રાહકો હવે સોનાના વિકલ્પ તરીકે કોપરના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને કોપર પર ગોલ્ડ પ્લેટિંગ ચડાવેલા દાગીના દેખાવમાં અદ્દલ સોના જેવા જ લાગે છે અને કિંમતમાં પણ ઘણા પરવડે તેવા હોય છે, જેના કારણે બજારમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે.
કોપર માત્ર દાગીના તરીકે જ નહીં પણ રોકાણ માટે પણ કોપર એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. સુરતના જ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા મુજબ, માત્ર તેમની જ પાસે દરરોજ અંદાજે 2,000 થી 2,500 કિલો કોપરનું વેચાણ કે બુકિંગ થઈ રહ્યું છે. જે લોકો સોના કે ચાંદીના બિસ્કિટ ખરીદી શકતા નથી, તેઓ હવે કોપરના બિસ્કિટ કે લગડીમાં રોકાણ કરી રહ્યા છે. કોપર વજનમાં ભારે હોવાથી લોકો ઘણીવાર તેની ફિઝિકલ ડિલિવરી લેવાને બદલે જ્વેલર્સ પાસે જ રાખવાનું પસંદ કરે છે. આમ, વર્તમાન સમયમાં કોપર એ માત્ર એક ધાતુ મટીને સોના-ચાંદી જેવું જ લોકપ્રિય ઇન્વેસ્ટમેન્ટ સાધન બની રહ્યું છે.

